મુંદ્રાના ચકચારી કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં 72 લાખની જમીન ચર્ચામાં

24 February 2021 02:56 PM
kutch Crime
  • મુંદ્રાના ચકચારી કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં 72 લાખની જમીન ચર્ચામાં

સમાઘોઘાના માજી સરપંચની સ્ફોટક કબુલાત : રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

ભુજ, તા.24
રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા અને પોલીસની છબીને ખરડાવનારા મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેની કરવામાં આવેલી પૂછપરછ દરમ્યાન જમીન અને પૈસા અંગે આપેલી વિગતો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરી વિવિધ કચેરીઓમાંથી માહિતી એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. ગત ગુરુવારના મુંબઈ પાસેના લોનાવાલાથી જયવીરસિંહને અટકમાં લીધા બાદ તેના રિમાન્ડ મેળવી પોલીસે સઘન પૂછતાછ કરતાં જમીન અને મોટી રકમ જેવી બાબતો સપાટી પર આવી હોવાનું આ પ્રકરણના તપાસનીશ અધિકારી ભુજ વિભાગના નાયબ પોલીસ અધિકારી જે. એન. પંચાલે જણાવ્યું હતું. પંચાલે ઉમેર્યું હતું કે, રિમાન્ડ દરમ્યાન જયવીરસિંહે આપેલી કેફિયત મુજબની જમીનોની વિગતોની માહિતી નર્મદા નિગમમાંથી મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત જમીન સંબંધિત કોને કેટલા રૂપિયા મળવાના હતા તેમજ જયવીરસિંહની ભૂમિકા બદલ તેને ક્યાંથી કેટલા નાણાં મળવાના હતા તે સમગ્ર બાબતે સર્વગ્રાહી કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. વિવિધ કચેરીઓમાંથી વિગતો મળ્યા બાદ આ પ્રકરણ પરથી પડદો ઊંચકાય અને વધુ સ્ફોટક માહિતી મળે તેની પણ સંભાવના જોવાઇ રહી છે. જમીન રેકર્ડ સંબંધિત કચેરીઓ તથા મામલતદાર કચેરી પણ પોતાની રીતે આ જમીન અંગે તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળે છે. જયવીરસિંહના આજે સાંજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરતાં જેલમાં રવાના કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ચકચારી પ્રકરણ પાછળ સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહની ભૂમિકા સૂત્રધાર સ્વરૂપે જોવાઇ રહી હતી. જમીન અને 72 લાખ જેવી મસમોટી રકમ અન્વયે આ માજી સરપંચે પોલીસને હાથો બનાવી સમગ્ર કાંડને અંજામ અપાવ્યો હોવાની ફરિયાદો પણ પોલીસ સમક્ષ થઇ ચૂકી હતી.


Related News

Loading...
Advertisement