રાજકોટ: ગુજરાતમાં ગઈકાલે આવેલા મહાપાલિકાના પરિણામો હવે દૂરગામી અને 2022ના ડિસેમ્બર સુધીના રાજયના રાજકારણ પર અસર પાડશે તે નિશ્ર્ચિત છે. 2017ની ધારાસભા ચૂંટણીમાં આ મહાનગરોએ ભાજપને મોટા પરાજયથી બચાવ્યો હતો અને તેમાં ખાસ કરીને સુરતની 16 બેઠકોનું યોગદાન મહત્વનું હતું. જયારે ધારાસભામાં ભાજપે કલીન સ્વીપ કર્યા હતા તથા આ ચૂંટણીમાં પણ સુરતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. આ મહાનગરે કોંગ્રેસને હવે કાયમી જાકારો આપી દીધો છે.
જો કે એક સ્વતંત્ર નિરીક્ષણ મુજબ 2017માં ભાજપને મહાનગરોમાં જે સફળતા મળી હતી તે ગ્રામીણ ક્ષેત્રોમાં મળી ન હતી. 2015ના પાટીદાર આંદોલનની અસર પછી તાપી, સાબરમતી અને આજી સહિતની નદીઓમાં ઘણા પાણી વહી ગયા હતા તેમ છતાં 2017માં ગ્રામીણ ક્ષેત્રોમાં કોંગ્રેસને જે સફળતા મળી તે તેને 78 બેઠકો સુધી લઈ ગયો હતો અને 18 મહાનગરોએ ભાજપને સાથ આપ્યો ન હોત તો સંભવ છે કે ભાજપે સતા ગુમાવી દીધી હોત તે પણ શકય છે અને ગઈકાલે આ મહાનગરોની વફાદારી ફરી કમળ સાથે નિશ્ર્ચિત થઈ છે પણ હવે તા.28ના ગ્રામીણ-અર્ધશહેરી ક્ષેત્રોના મતદાનમાં આ ટ્રેન્ડ જળવાઈ રહેશે કે કેમ તે પ્રશ્ન છે.
જો કે ભાજપ તો આ વર્ષે કલીન સ્વીપ કરવા વિશ્વાસુ છે અને તે ફકત મહાપાલિકાના પરિણામોના ભરોસો પણ રહેશે નહી તે પણ નિશ્ર્ચિત છે પક્ષ આજથી જ પંચાયત-નગરપાલિકા ચૂંટણીમાં મહાનગરોના પરિણામોની અસર પડે તે જોવાનું શરુ કરી દેશે પણ પક્ષના સૂત્રો કહે છે કે સુરત-ફેકટર-સૌરાષ્ટ્ર સાથે જોડાય તો પંચાયત-પાલિકાઓની ચૂંટણીમાં ‘આપ’ ના ઉમેદવારો મોજૂદ છે અને તેથી સુરતમાં જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને સફળતા મળી છે તે પાટીદાર- સૌરાષ્ટ્રની સાથે જોડાયેલા પાટીદાર ક્ષેત્રોના છે અને તે સંદેશ જો જુનાગઢ, ભાવનગર, અમરેલી જેવા જીલ્લા જયાં સુરતના પાટીદારોનું વતન છે ત્યાં પહોંચે તો ભાજપને થોડી ચિંતા થશે.
સુરતમાં જો કે ભાજપ કોંગ્રેસને કાઢવામાં રહ્યો અને આમઆદમી પાર્ટી ઘુસી ગઈ તેવા વિધાન ખુદ પક્ષના પ્રમુખ સી.આર.પાટીલે ગઈકાલે જ કર્યા છે તે દર્શાવે છે કે આપ એ ભાજપની ચિંતા છે જ અને મહાનગરોમાં પણ આમ આદમી પાર્ટીને મત મળ્યા છે તે હાલ થોડા લોકો કોઈ વિકલ્પ પણ વિચારતા હોય તે દર્શાવે છે. જો કે સુરતમાં આપને ફાયદો કોંગ્રેસ સાથેના વિવાદથી થયો હતો. જે વાતાવરણ હાલ પંચાયતમાં નથી તેથી સુરત ફકટર કહેવું અસર કરશે તે પ્રશ્ર્ન છે છતાં ગુજરાતમાં ગ્રામીણ- શહેરી મતદારો અલગ અલગ રીતે મતદાન કરે છે તે પણ વાસ્તવિકતા છે અને હવે તેમાં કેટલું વજૂદ તે આગામી મંગળવારના પરિણામો જ કરી શકશે.