કાલે વિશ્વકર્મા જયંતી : મહાત્મય

24 February 2021 12:04 PM
Dharmik
  • કાલે વિશ્વકર્મા જયંતી : મહાત્મય

સમગ્ર સૃષ્ટિના સર્જક વિશ્વકર્મા પ્રભુજી છે. જેનો આરંભ કે અંત નથી અને જે અનાદિ છે તેવા વિશ્વકર્મા પ્રભુજીના નેત્રો સદાય દયાથી ભરેલા છે. વિશ્ર્વકર્મા પ્રભુજી ત્રણેય લોકનું સંચાલન કરે છે.
વિશ્ર્વકર્મા પ્રભુજી સર્વ શકિતમાન અને ગુણોના ભંડાર છે અને તેના ગુણાનુવાદ વેદ, પુરાણ અને શાસ્ત્રો તેમજ ઉપનિષદોએ ગાયા છે.
આ કલિ કાળમાં જ્ઞાન-વિજ્ઞાન અને ઔદ્યોગિક પ્રગતિ તેમજ શિલ્પ, કલા, કૌશલ્ય વગેરેમાં ઉન્નતિ માટે પ્રભુ વિશ્ર્વકર્માની પૂજા સર્વોપરિ છે. એટલે તો વિશ્ર્વના નકશામાં રહેલા તમામ દેશો પ્રાંત-પ્રદેશમાં પ્રભુ વિશ્વકર્મા જયંતીનોે ઉત્સવ મહાઉત્સવ તરીકે ઉજવાય છે.


આપણા ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વિશ્ર્વકર્મા જયંતીનો ઉત્સવ મહાસુદ-13ના દિવસે ઉજવાય છે. ગુજરાતમાં ગુર્જર સુતાર પંચાલ (લુહાર સુથાર) વૈશ્ય સુથાર, મેવાડા સુથાર, કડિયા, સલાટ, સોમપુરા વગેેરે વિશ્વકર્મા વંશીઓ મહાસુદ તેરસના દિવસે પ્રભુવિશ્વકર્માની મહાપુજા, સમુહ ભોજન, લોકડાયરો વગેરે જેવા કાર્યક્રમો તથા અમુક પ્રાંતમાં આ દિવસે સમુહ લગ્નોત્સવ તથા મહાઆરતી અને શોભાયાત્રા જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને સર્વે વિશ્વકર્મા પરિવાર આખો દિવસ આનંદ, ઉત્સવમાં વિતાવે છે. આમ ગુજરાતમાં મહાસુદ તેરસના દિવસે વિશ્વકર્મા  જયંતી ઉજવે છે. આજ દિવસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અમુક પ્રાંતોમાં પણ વિશ્ર્વકર્મા જયંતી મનાવવામાં આવે છે. જેના રાજસ્થાનના વંશ સુથાર ભાઇઓ દ્વારા વિશ્ર્વકર્મા જયંતીના ઉત્સવ નિમિત્તે મહાસુદ પ થી મહાસુદ 13 સુધી વિશ્વકર્મા કથાનું પણ અમુક સ્થાનો પર આયોજન કરવામાં આવે છે. તેમજ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના અમુક પ્રાંતોમાં આ દિવસે વિશ્વકર્મા રથ બનાવી શોભાયાત્રારૂપે ગામમાં ફેરવવામાં આવે છે.આ ઉપરાંત પંજાબ, બિહાર, આસામ, પશ્ર્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી, મેઘાલય આદિ રાજયોમાં વિશ્ર્વકર્મા જયંતી 17 સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી તારીખ પ્રમાણે ઉજવાય છે. વિશ્વકર્માવંશીઓ જે દરેક રાજયમાં અલગ અલગ ઓળખથી ઓળખાય છે જેમ કે પંજાબમાં જાંગિડ અને રામગઢિયા, બિહારમાં ધીમાન, ઓઝા, મૈથિલ તો દિલ્હી અને હરિયાણામાં અટાલિકાકાર અને શર્મા તરીકે જાણીતા છે તેઓ 17 સપ્ટેમ્બરના રોજ સવારથી જ પોતાના ઘરમાં પ્રભુ વિશ્વકર્માનું સ્થાપન કરી પૂજા અર્ચના ધામધુમપૂર્વક પોતાના સગા-સંબંધી સાથે મળીને કરે છે. ત્યારબાદ પ્રભુની વિશાળ શોભાયાત્રાના રૂપમાં બધા એક જગ્યા પર ભેગા મળી પોતાના ઘરે કરેલ પુજા સ્થાન લઇને આવે છે. ત્યાં પ્રભુ વિશ્વકર્માજીનો હોમાત્મક યજ્ઞ કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમુહ ભોજન લે છે.


આ ઉપરાંત 17 સપ્ટેમ્બરના રોજ નેપાળ, લંડન, યુરોપીય દેશો, રશિયા આફ્રિકા આદિ દેશોમાં પણ વિશ્વકર્મા જયંતીનો ઉત્સવ ધામધુમપૂર્વક યોજાય છે. એ દેશોમાં વિશ્વકર્મા વંશી પીંગટકર્મા, શ્ર્વેતકર્મા અને શ્યામ કર્મા તરીકે પ્રસિદ્ધ છે. તેઓ એ દિવસે પ્રભુની મહાઆરતી અને મહાપુજાનો કાર્યક્રમ પોતાના ઔદ્યોગિક એકમોમાં રાખે છે અને એ દિવસે સમુહ ભોજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.
ભાદરવા સુદ એકમથી નોમ સુધી નવ દિવસનોવિશ્વકર્માનો ઉત્સવ શ્રીલંકાને પૂર્વ બંગાળ વગેરે પ્રાંતોમાં ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવ પૂર્વબંગાળ, મદ્રાસ અને શ્રીલંકામાં કર્મકાર તરીકે ઓળખાતા વિશ્ર્વકર્મા વંશીઓ ઉજવે છે. આ ઉત્સવ દરમ્યાન એ લોકો વિશ્ર્વકર્માની માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવી પોતાના ઘર કે ઔદ્યોગિક વસાહતમાં સ્થાપના કરાવે છે અને નવ દિવસ સુધી દરરોજ પુજા, યજ્ઞ, આરતી કરી પ્રભુને ફળ-ફુલ ઇત્યાદિ અર્પણ કરે છે. દરેક ઘેર-ઘેર એ દિવસોમાં દીવાળી જેવો ઉત્સવ હોય છે. શહેર, ગલી, ઘર રોશનીથી શણગારે છે અને દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે. આપણે જેમ નવરાત્રિ ઉત્સવ મનાવીએ એવી રીતે એ લોકો વિશ્ર્વકર્માની પ્રતિમાઓનું પવિત્ર જળમાં વિસર્જન કરે છે અને પોતાના સગા-સંબંધી વગેરે સાથે સમુહભોજન કરે છે. સમગ્ર દેશમાં ઉજવાતી વિશ્ર્વકર્મા જયંતીમાં બંગાળી બાબુઓની વિશ્વકર્મા જયંતીનો ઉત્સવ સૌથી વધુ શ્રદ્ધાપૂર્વક થતો ઉત્સવ છે. આ ઉપરાંત પંજાબ અને ઉત્તર પ્રદેશઅને રાજસ્થાનના અમુક ભાગોમાં કારતક સુદ એકમનો દિવસ ત્વષ્ટાસ્વરૂપ વિશ્વકર્મા પ્રભુના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે એ દિવસોમાં જાંગિડ, રામગઢિયા, ધીમાન, મૈથિલ અને માલવીયા વગેરે વિશ્ર્વકર્માવંશીઓ પોતાના ઘેરઅને કારખાનામાં ઓજાર અને મશીનરીની પુજા કરે છે અને પ્રભુ વિશ્ર્વકર્માની પુજા કથા વગેરે કરી ઉત્સવ ઉજવે છે.


Related News

Loading...
Advertisement