સુરત:
સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસનો સફાયો થયો છે. એક પણ સીટ મળી નથી. જેથી કોંગી કાર્યકરો ગુસ્સે ભરાયા હતા અને શહેર કોંગ્રેસના આગેવાનોના પૂતળા કોંગ્રેસ કાર્યાલયની સામે જ સળગાવ્યા હતા. અને અગ્ર હરોળના નેતાઓએ ટિકિટો વેચી હોવાની નારેબાજી સાથે હતાશ કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો.
સુરતમાં કોંગ્રેસની શરમજનક હાર થતાં કોંગી કાર્યકરો રોષે ભરાયા છે. સુરત કોંગ્રેસ કાર્યાલય સામે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કદીર પીરજાદા, તુષાર ચૌધરી અને બાબુ રાયકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમને કોંગ્રેસની હાર માટે જવાબદાર ઠેરવ્યા હતાં. આ નેતાઓ વિરુદ્ધ કોંગી કાર્યકરોએ અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા. કાર્યકર્તાઓએ સીધા આક્ષેપ કર્યો હતો કે, સુરત કોંગ્રેસ ભાજપના હાથે વેચાઈ ગઈ છે. 120 બેઠકો ટિકિટને વેચી નાખી છે. ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરીને નબળા ઉમેદવારોને જે-તે વિસ્તારના પસંદ કરે છે. કેટલાક પાસેથી રૂપિયા ખંખેરી લઈને ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓને ટિકિટ આપવાને બદલે રૂપિયા આપનારને ટિકિટ અપાઈ હતી, જેને કારણે આ પ્રકારે કોંગ્રેસ પક્ષની સતત હાર થતી રહી છે તેવી ફરીયાદો કોંગી કાર્યકરોએ કરી નેતાઓના પૂતળાઓનું દહન કર્યું હતું. નબળો દેખાવ છતાં પણ સંગઠન અંગે કોઈ નક્કર પગલાં કોંગ્રેસ પાર્ટીએ લીધા નથી. વિધાનસભા ચૂંટણીમાં પણ પૈસા લઈને અયોગ્ય કેન્ડિડેટોને ટિકિટ આપી દેવામાં આપવામાં આવે છે તેવા પણ આક્ષેપ થયા છે. ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી યોજાઈ તે તમામ મહાનગરોમાં કોંગી કાર્યકરોનો ગુસ્સો ફાટી નીકળે તેવી પણ શક્યતા છે.