આધાર કાર્ડમાં ફેરફાર અને નવા કઢાવવા માટેના ફોર્મ વારંવાર બદલાતા હોવાની ફરિયાદ

23 February 2021 03:29 PM
Jamnagar Crime
  • આધાર કાર્ડમાં ફેરફાર અને નવા કઢાવવા માટેના ફોર્મ વારંવાર બદલાતા હોવાની ફરિયાદ

15 દિવસમાં બે થી વધુ વાર ફોર્મ બદલાયા: આધાર કાર્ડના ફોર્મના કાળા બજાર

જામનગર તા.23:
જામનગર શહેરમાં આધાર કાર્ડ કઢાવવા માટે જતા અરજદારોને ફોર્મ બાબતને લઇને ભારે મુશ્કેલીમાં મુકાઇ છે. 15 દિવસમાં જ વારંવાર આધાર કાર્ડના ફોર્મના નમૂના બદલાઇ જતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. એટલુ જ નહી લાલ બંગલા સર્કલમાં આવેલી એક દુકાનમાં એક રૂપિયાના ફોર્મના 10 રૂપિયા લેતા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે.


શહેરમાં ટાઉન હોલ અને લાલ બંગલા ખાતે આધાર કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત જુદી-જુદી બેંકોમાં પણ આધાર કાર્ડ કાઢવામાં આવે છે. તેમજ આધાર કાર્ડમાં ફેરફારની સુવિધાઓ ચાલુ છે. તેવા સમયે જયારે કોઇ અરજદાર આધાર કાર્ડ કઢાવવા જાય છે ત્યારે તેને આપવામાં આવેલા ફોર્મને લઇને સવાલ ઉભા થયા છે. કારણ કે આધાર કાર્ડના ફોર્મ એક મહિનામાં પાંચ વાર બદલાતા હોવાની ફરિયાદ પણ અરજદારો કરી રહ્યા છે. કારણ કે જયારે કોઇ પણ અરજદાર આધાર કાર્ડમાં ફેરફાર કરાવવા માટે જાય છે ત્યારે જે ફોર્મ આપવામાં આવે છે.

તે ફોર્મમાં સહી સિક્કા કરાવ્યા બાદ જમા કરાવવા જાય છે ત્યારે આધાર કાર્ડ કાઢનાર જવાબદાર દ્વારા આ ફોર્મ નહી ચાલે નવુ ફોર્મ આવેલ છે. તેવુ જણાવી નવુ ફોર્મ લાલ બંગલા સર્કલ પાસેથી મેળવી લેવા જણાવે છે. જયારે આ ફોર્મ બજારમાંથી રૂા.10 ચુકવીને વેચાતુ લીધા બાદ આધાર કાર્ડ કઢાવવું પડે છે. પરંતુ વારંવાર આ ફોર્મ બદલાઇ જતુ હોય જેથી આધાર કાર્ડ કઢાવનાર ને એક જ દિવસમાં સહી સિક્કા કરીને પરત કરી દેવુ પડે તેવો ઘાટ સર્જાયો છે.

એટલુ જ નહી આધાર કાર્ડ નવુ કઢાવવા માટે અરજદારને જયારે ફોર્મની જરૂર પડે છે ત્યારે સરકાર તરફથી વિનામુલ્ય ફોર્મ આપવાના બદલે રૂા.10નો ચાંદલો કરવો પડે છે. એ ફોર્મ લઇને પણ જો આઠ દિવસ પછી જાય તો આધાર કાર્ડની કચેરીમાં નવુ ફોર્મ આવી ગયુ હોય છે. જામનગરમાં આધાર કાર્ડના ફોર્મ વારંવાર બદલાતા હોય જેથી અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સાથે સાથે ફોર્મ બદલાતા રૂા.50 સુધીનો ખર્ચો પણ એક ફોર્મ દીઠ કરવો પડે છે. મહત્વની વાત એ છે કે, આધાર કાર્ડ અંગેની કોઇ પણ પ્રકારની ફરિયાદ ઉઠે તો તેનો જવાબ આપનાર તંત્ર એક બીજા ઉપર ખો આપી દે છે.


ખરેખર તો સરકારના નિયમ મુજબ કોઇ પણ એક ફોર્મ કે અરજી પત્રક જાહેર થયા પછી તે પત્રકમાં ફેરફાર સામાન્ય રીતે પણ 15 દિવસમાં કરી શકાતો નથી. પરંતુ આધાર કાર્ડમાં આ નિયમ લાગુ ન પડતો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ આધાર કાર્ડ અંગેના ફોર્મની ફરિયાદ કોને કરવી તેની વિમાસણમાં જામનગરના અરજદારો મુકાયા છે.


Related News

Loading...
Advertisement