રાજકોટ, તા.ર3
194 વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્વનાથ જિનાલય (માંડવી ચોક દેરાસર)માં આગામી તા.7મી માર્ચના સવારે 9 થી રાત્રીના 10 સુધી દેવાધિદેવ શ્રી સુપાર્શ્ર્વનાથ દાદા તથા શ્રી આદેશ્વરદાદા, તથા શાસન રક્ષક દેવ શ્રી માણિભદ્ર વીરની ભવ્યાતિભવ્ય મહાપૂજા યોજાશે.
રાજકોટની ધન્યધરા પર ઇતિહાસમાં સૌપ્રથમવાર આ પ્રકારની અલૌકિક મહાપૂજા કરવામાં આવશે. જેમાં સૌપ્રથમ આકર્ષણ લીલા તથા સુકા નાળીયેર અને રંગબેરંગી ફુલોથી સુશોભિત કરવામાં આવશે. રોશનીના શણગારની ભવ્યતા ઉભી કરાશે. જાણવા મળતી વિગતો અનુસાર શ્રી સુપાર્શ્વનાથ દાદા, શ્રી આદિશ્વર દાદા, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને સાચા હીરા-મોતી તથા ડાયમંડની ભવ્યાતિભવ્ય, નયનરમ્ય, અંગરચના કરવામાં આવશે
મહાપૂજા દરમ્યાન ભકિત સંગીતનું આયોજન કરાયું છે. રંગબેરંગી ફુલોની રંગોળી દર્શનાર્થીઓને પ્રસન્ન કરી મુકશે. આ મહાપૂજામાં શ્રી સુપાર્શ્ર્વનાથ દાદાની આરતીનો લાભ સ્વ. રમેશચંદ્ર ચકુભાઇ મહેતા પરિવારે લીધો છે. જયારે શ્રી આદેશ્ર્વર દાદાની આરતીનો લાભ નવિનચંદ્ર પ્રાગજીભાઇ શાહ પરિવાર તથા રમણીકલાલ રતિલાલ ગોસલીયા (હસ્તે પરીંદાબેન કેતનભાઇ ગોસલીયા) પરિવારે લીધો છે. જયારે શ્રી માણિભદ્રદાદાની આરતીનો લાભ ઉષાબેન ચંદુભાઇ શાહ (હસ્તે જય પરેશભાઇ શાહ) પરિવારે લીધો છે.