મુંબઈ તા.23
મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં નવેસરથી નિયંત્રણો લાગુ પાડવામાં આવ્યા છે તેમાં નાગપુરનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. શાળા-કોલેજ-શૈક્ષણિક સંસ્થાઓ તથા અઠવાડિક માર્કેટ 7મી માર્ચ સુધી બંધ રાખવાના આદેશ કરાયા છે. હોટેલ-રેસ્ટોરાં પણ માત્ર 50 ટકા ક્ષમતાએ રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લી રહી શકશે.મહારાષ્ટ્ર સરકારે અમરાવતીમાં લોકડાઉન લાગુ કર્યાની સાથોસાથ પુના જેવા શહેરોમાં નિયંત્રણો લાગુ પાડયા હતા. હવે નાગપુરમાં પણ અંકુશો મુકવાનો નિર્ણય થયો છે. નાગપુરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં નાગપુરમાં 2000 નવા કેસો નોંધાયા હોવા છતાં લાપરવાહ જ હોવાની સ્થિતિ છે. 7મી માર્ચ સુધી રાજકીય-ધાર્મિક મેળાવડા યોજવા પર પણ પ્રતિબંધ ફરમાવાયા છે. લગ્ન સમારંભો માત્ર નિવાસસ્થાને જ થઈ શકશે અને મહતમ 50 મહેમાનોને હાજર રાખવાની છુટ્ટ રહેશે. બંધ કરી દેવાયેલા કોવિડ સેન્ટરો ફરી ખોલવામાં આવ્યા છે. હોટસ્પોટ તથા ક્ધટેનમેન્ટ ઝોન પણ નકકી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે અમરાવતી જીલ્લામાં તો એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની રવિવારે જ જાહેરાત કરી દીધી હતી.