રાજકોટ,તા.23
ગુજરાતમાં યોજાયેલી છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે જે રીતે વિજય વાવટો ફરકાવ્યો છે અને શાસન વિરોધી મત હોવાના ફેકટરને પણ પક્ષે વધુ એક વખત સફળતાપૂર્વક સામનો કર્યો છે. તે કલ્પનાતિત છે. વાસ્તવમાં તમામ છ મહાપાલિકાઓમાં 15 થી 25 વર્ષ સુધીના ગાળામાં ભાજપનું સતત શાસન રહ્યું છે અને દર ચૂંટણીમાં પક્ષે સત્તા હાંસલ કરી છે.
રાજકોટ જેવા એક મહાનગરમાં એક 2000 થી 2005ના ટુંકાગાળાને બાદ કરો છેક 1974થી ભાજપ સતા પર છે અને ફરી પાંચ વર્ષ માટે લોકોએ ભાજપને લોકોએ સુકાન સોંપ્યુ છે. આ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશની સાથે રાજયમાં મોંઘવારીનો મુદો છવાઇ ગયો છે. પેટ્રોલ ડિઝલના સતત વધી રહેલા ભાવ અને તેમાં રાહતની કોઇ શકયતા દેખાતી નહી હોવાથી આ મતદાનમાં શહેરી મતદારો તેમના આક્રોશનો પડઘો પાડશે તેવી શકયતા હતી અને મતદાન અમદાવાદમાં ઓછું થયું અને અન્ય મહાનગરોમાં પણ ધાર્યા પ્રમાણે મતદાન ન થયું તે સમયે લોકોનો આક્રોશ કામ કરી ગયો હોવાનું પણ જણાતુ હતું.
બીજી તરફ રાજયમાં કોરોના કાળ સમયે જે લોકડાઉન લાદવામાં આવ્યું હતું તેના કારણે વ્યાપાર ઉદ્યોગને મોટો ફટકો પડયો હતો અને રોજગારી પણ ગઇ હતી જે સ્થિતિ હજુ પૂર્ણ રીતે બહાલ થઇ નથી. આ તમામ કારણો ઉ5રાંત છેલ્લા એક વર્ષમાં રાજય સરકારે કોરોના સામેના ઉપાયમાં માસ્ક ફરજીયાત બનાવ્યો અને માસ્ક નહીં પહેરનારને પ્રારંભમાં રૂા.100 અને બાદમાં હાઇકોર્ટની સુચના મુજબ રૂા.1000 સુધીનો દંડ પણ લાદવામાં આવ્યો હતો અને પોલીસ તથા અન્ય તંત્રએ છેલ્લા 6 થી 8 માસમાં આ રીતે માસ્કના દંડમાં રૂા.100 કરોડથી વધુની રકમ ઉઘરાવી હતી. તેની સામે પણ વારંવાર લોકરોષ દર્શાતો હતો.
આ ઉપરાંત રાજયમાં એક તરફ સામાન્ય લોકો માટે લગ્ન સમારોહથી લઇ અન્ય સમારોહમાં સંખ્યાની મર્યાદા મુકવામાં આવી હતી જેમાં લગ્નમાં 50થી વધુ લોકોને પહેલા હાજર રહેવાની છુટ ન હતી જે હાલમાં 200 કરવામાં આવી છે. તેમ છતાં રાજકીય મેળાવડાઓ અને તમાશાઓમાં કોઇ મર્યાદા ન હતી. એટલું જ નહીં રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ માસ્ક પહેરતા ન હતા. સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થતો હતો તેમ છતાં સામાન્ય માનવીને આ મુદે દંડનાર પોલીસ રાજકીય નેતાઓ સામે એક પણ પગલા લેવાયા ન હતા.
આ રોષ પણ લોકોમાં હતો એટલું જ નહીં રાજકોટ સહિતના મહાનગરોમાં આઇ-વે પ્રોજેકટ હેઠળ માર્ગો પર સીસીટીવી કેમેરા ગોઠવાયા હતા અને ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર માટે ઓટોમેટીક ઇ-મેમોના પણ ઢગલા થયા, પોલીસની ગેરવ્યવસ્થા છતાં વાહન ચાલકને મોટા દંડનો ભોગ બનવું પડયું હતું અને આ તમામ રોષ ચૂંટણીમાં મતદાન સમયે લોકો ઠાલવશે તેવો ભય હતો. એટલું જ નહીં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારામાં રાજય સરકારે પણ ભાવ નહીં ઘટે તેવું સ્પષ્ટ જાહેર કરીને લોકોને સીધો પડકાર ફેંકયો હોય તેવી સ્થિતિ હતી.
આ તમામ ફેકટર ઉપરાંત ભાજપમાં મહાપાલિકાની ચૂંટણીમાં જે રીતે ત્રણ ટર્મથી ચૂંટણી લડનાર કે જીતનાર, 60 વર્ષના ઉપરના વ્યકિત અને પક્ષમાં કે સરકારમાં કયાંય હોદેદાર હોય તો તેમને ટીકીટ નહીં આપવાની પાટીલ ફોર્મ્યુલાના કારણે ભાજપમાં જબરો અસંતોષ હોવાની ચર્ચા હતી અને પક્ષના અનેક સીનીયર નેતાઓને ઘરે બેસવુ પડે અને તેમની રાજકીય કારકીર્દી સામે પ્રશ્ન ઉભા થાય તેવી સ્થિતિ હતી. આ ફેકટર પણ કામ કરી જાય તેવું હતું. પરંતુ જે રીતે પરિણામો આવી રહ્યા છે. ભાજપને પ્રચંડ બહુમતી મળી રહી છે તેથી ભાજપ અને સરકાર વિરોધી આ તમામ મુદાઓ ડિસ્કાઉન્ટ થઇ ગયા છે. અને રાજકીય પંડિતો પણ આશ્ચર્યમાં છે.
કોંગ્રેસ પક્ષને મજબુત વિપક્ષ બનવાની તક છે. તેવું પણ અનુમાન મુકાતુ હતુ તેમ છતાં પણ કોંગ્રેસ રાજકોટ જેવા મહાનગરમાં ખાતુ પણ ખોલાવી ન શકે તેવી સ્થિતિ અત્યારે નજરે ચડે છે. આમ ભાજપે સફળતાપૂર્વક એન્ટીઇન્કમવન્સી ટાળી છે અને વિજેતા બન્યા છે તે રાજકીય નિષ્ણાંતો માટે પણ આશ્ચર્ય છે જોકે ભાજપ પહેલાથી જ જીત માટે અને તે પણ પ્રચંડ જીત માટે વિશ્વાસ ધરાવતો હતો અને તેને તે સાચો ઠેરવ્યો છે તથા હવે આગામી તા.28ના રોજ યોજાનારી પંચાયતની ચૂંટણીમાં પણ આજના પરિણામોની અસર પડશે અને 2015માં જે રીતે કોંગ્રેસે પાટીદાર આંદોલનના સહારે ગ્રામીણ વિસ્તારોમાં વિજય મેળવ્યો હતો પરંતુ કોંગ્રેસને તે આશા પણ રહેશે નહીં તેવા સંકેત છે.