રાજકોટ, તા. 23
મહાપાલિકાની ચૂંટણીના જબરદસ્ત પરિણામો આજે જાહેર થયા છે ત્યારે જીડબલ્યુઆઇએલ દ્વારા પણ ચૂંટણી બાદ શટડાઉન લેવાનો નિર્ણય કરવામાં આવતા રાજકોટના વોર્ડ નં.8,11,13 પાર્ટમાં આવતીકાલ તા.ર4ના પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત મનપાની વોટર વર્કસ શાખાએ કરી છે.જીડબલ્યુઆઇએલ દ્વારા એન-સી-34 પ્રોજેકટમાં સિંધાવદર હેડવર્કર્સ ખાતે શટડાઉન લેવાનું નકકી કરવામાં આવ્યું છે. તેના કારણે આવતીકાલ તા.ર4ના બુધવારે મનપાના વેસ્ટ ઝોન આધારીત ચંદ્રેશનગર હેડવર્કર્સ હેઠળના વોર્ડ નં.8,11 અને 13 પાર્ટ તથા બપોરે 1ર વાગ્યા પછીના મવડી હેડવર્કર્સ હેઠળના વિસ્તારો વોર્ડ નં.11 અને 13 પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેેશે તો 150 ફુટ રીંગ રોડ હેડવર્કર્સ આધારીત વિસ્તારોમાં પણ ઓછા દબાણથી પાણી મળશે તેવી લોકોને જાણ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આજે જાહેર થયેલા મહાપાલિકાના પરિણામોમાં ચારે તરફ કમળ ખીલી ગયુ છે તેમાં પણ વોર્ડ નં. 8 ભાજપનો ગઢ છે તો વોર્ડ નં.11 અને 13માં ભાજપે ઘુસીને કોંગ્રેસને દુર કરી છે. ત્રણે વોર્ડમાં મોટી બહુમતી મળી છે. આ વોર્ડના મતદારોને (પાર્ટ) આવતીકાલે પાણી નહીં મળે જોકે તેનું કારણ ટેકનીકલ છે. છતાં અમીન માર્ગ, મવડી, સ્વામિનારાયણ ચોક આસપાસના વિસ્તારના લોકોને કાલે પાણીમાં તંત્રએ રજા આપી દીધી છે. વધુમાં 150 ફુટ રોડના ઘણા ભાગમાં ઓછા દબાણથી એટલે કે ઓછું પાણી પણ મળશે તેવું અધિકારીઓએ જાહેર કર્યુ છે. જોકે આગલા દિવસે જાણ થઇ હોય, લોકોને આજે પાણી સ્ટોરેજ કરવાનો પણ સમય મળ્યો નથી.