તા.27મીના મહા સુદ પૂનમ : વિષ્ણુ પુજાનું મહાત્મ્ય

23 February 2021 02:25 PM
Dharmik
  • તા.27મીના મહા સુદ પૂનમ : વિષ્ણુ પુજાનું મહાત્મ્ય

રાજકોટ, તા. 23
જયારે કર્ક રાશિમાં ચંદ્ર અને મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. ત્યારે મહા સુદ પુનમના પવિત્ર યોગ બને છે. આ વર્ષે તા.ર7મીના આ યોગ આવી રહ્યો છે. બ્રહ્મવૈવર્ત પુરા, પદ્મપુરા તથા નિર્ણય સિંધુમાં કહેવાયુ છે કે મહા સુદ પુનમના દિવસે ખુદ ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે. આથી આ પાવન દિનની માન્યતા છે કે ગંગા જળના સ્પર્શ માત્રથી સમસ્ત પાપોનો નાશ થઇ જાય છે.જયોતિષના કથન અનુસાર આ યોગમાં સ્નાન કરવાથી સૂર્ય અને ચંદ્રમા યુકત દોષોથી મુકિત મળે છે. એટલા માટે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે મહા સુદ પુનમનું સ્નાન અત્યંત ફળદાયી માનવામાં આવેલ છે.


આ દિવસે સૂર્યોદય પૂર્વે સ્નાન કરવું અને ઉત્તમ ગતિ પ્રદાન કરે છે.શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે કે માસ પર્યત સ્નાના સંભવે તુ ત્રયહમેકાહા વાયાત અર્થાત જે મનુષ્ય સ્વર્ગલોકમાં સ્થાને મેળવવા ઇચ્છે છે, તેમણે મહા સુદ પુનમના સૂર્યની મકર રાશિમાં સ્થિત થયા પર તીર્થ સ્નાન અવશ્ય કરવું જોઇએ. આ દિવસે સ્નાન-દાન કરતી વખતે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:’ના જાપ અવશ્ય કરવા.
એ પણ માનવામાં આવે છે કે આ દિવસે બધા દેવતા પૃથ્વી પર આવીને પ્રયાગમાં સ્નાન, દાન કરવાની સાથે મનુષ્ય રૂપ ધારણ કરીને ભજન, સત્સંગ વગેરે કરે છે અને મહાપૂર્ણિમાના દિવસે બધા દેવી દેવતાઓ છેલ્લી વાર સ્નાન કરીને પોતાના લોક તરફ જવા પ્રસ્થાન કરે છે.


આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાનું વિશેષ મહત્વ છે. કલ્પવાસી ક્ષૌરકર્મ, મુંડન વગેરે બાદ વિધિ વિધાનથી ગંગા સ્નાન કરીને સત્યનારાયણની પૂજા કરે છે. યથાશકિત દાન કરવું ધાબળા, કપાસ, ઘઉં, ઘી, મોદક, છત્રી, ફલ અને અન્ન વગેરેની દક્ષિણા શકિત મુજબ આપવી જોઇએ.આ દિવસે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવાની પરંપરા છે. તેથી સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ ભગવાનની પૂજામાં કેળાના પાન, પંચામૃત, સોપારી, પાન, મધ, મિષ્ઠાન, તલ, કુમકુમ દુર્વા વગેરેનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ.


Related News

Loading...
Advertisement