જુનાગઢ, તા. ર3
જુનાગઢમાં વધુ એક મકાનમાં અને કેટલેરીની દુકાનમાં ખાબકી તસ્કરોએ ચોરી કરી હતી.જુનાગઢના નવા નાગરવાડામાં આવેલ હિરા લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ મગનભાઇ પ્રીતમાણીના મકાનમાં શનિવારની બપોરના અરસામાં તસ્કરો ખાબકયા હતા.કબાટનું તાળુ તોડી તેમાંથી તસ્કરો રૂા. 6.9પ લાખની રોકડની ચોરી કરી ગયાની ફરીયાદ થતા બી ડીવીઝનના પીએસઆઇ કે.કે.મારૂએ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં સતત ધમધમતા માંગનાથ રોડ સ્થિત શ્યામ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ હરેશભાઇ ઇશ્ર્વરલાલ ચંદારાણા અને અન્ય વેપારીઓની કટલેરીની દુકાનમાં તસ્કરો ખાબકયા હતા. જેમાં હરેશભાઇની દુકાનમાંથી હેર બેલ, હેરકલીપ વગેરે રૂા. 3પ હજારના મુદામાલની અને અન્ય દુકાનમાંથી રૂા.490ની રોકડની ચોરી થતા પીએસઆઇ એ.કે.પરમારે તપાસ હાથ ધરી છે.
જેલમાંથી મોબાઇલ મળ્યો
જુનાગઢ જેલના સુબેદાર જાહિદભાઇ આર. ચાનીયા વગેરેએ તા. રરની વહેલી સવારે જેલમાં ઝડતી હાથ ધરી હતી. આ દરમ્યાન જેલમાં કાચા કામનો કેદી એજાજ ઉર્ફે નદીમ ભીખુભાઇ બ્લોચે રાખેલ વીવો કંપનીનો મોબાઇલ ફોન, સીમકાર્ડ અને ચાર્જીંગ વાયર મળી આવેલ.આથી સુબેદાર જાહિદ ચાનીયાએ આ તમામ પ્રતિબંધિત વસ્તુઓ કબ્જે કરી આરોપી એજાજ બ્લોક સામે ગઇકાલે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેની વિશેષ તપાસ પીએસઆઇ વી.આર.ચાવડા ચલાવી રહ્યા છે.