ભરુચમાં કેમીકલ ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભયાનક આગ: 24 કર્મચારીઓ ઘાયલ

23 February 2021 12:02 PM
kutch
  • ભરુચમાં કેમીકલ ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભયાનક આગ: 24 કર્મચારીઓ ઘાયલ

વિસ્ફોટનો અવાજ 15 કી.મી. દુર સંભળાયો, આજુબાજુના ગામ લોકોને ભૂકંપનો અહેસાસ થતા ઘરની બહાર નીકળી ગયા, બારીઓના કાચ તૂટયા: આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની કવાયત: અકસ્માતનું કારણ અકબંધ

ભરૂચ તા.23
ભરૂચ જિલ્લામાં જગડીયા સ્થિત કેમીકલ કંપની યુપીએલ-5 પ્લાન્ટમાં વિસ્ફોટ થવાથી આગ ભભુકી ઉઠી હતી, જેની ઝપટમાં આવવવાથી 24 જેટલા લોકો ઘાયલ થયા હતા, આ દુર્ઘટના મધરાત્રે 2 વાગ્યે બની હતી.ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગની ઘટના કંપનીના સીએમ નામના પ્લાન્ટમાં લાગી હતી. વિસ્ફોટ એટલો તો જબરદસ્ત હતો કે તેનો અવાજ 15 કિલોમીટર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસના ગામ લોકોને ભૂકંપ જેવો અનુભવ થયો હતો, જેથી કેટલાક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.


યુપીએલ કંપનીમાં થયેલા આ વિસ્ફોટના કારણે આજુબાજુના ગામો દઢેડા, ફુલવાડી અને કરલસાડીના ઘરોની બારીના કાચ ફૂટી ગયા હતા.આગના કારણે કંપનીના 24 કર્મચારીઓ ઘાયલ થઈ ગયા હતા. તેમને ભરુચ, વડોદરામાં હોસ્પીટલોમાં દાખલ કરાયા છે. હાલ દુર્ઘટનાનું કારણ બહાર નથી આવ્યું. આ લખાય છે ત્યારે ફાયર બ્રિગેડ આગ પણ કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે. આગની ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


Loading...
Advertisement