આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદનાં વિશાળ ક્રિકેટ મેદાન મોટેરા ખાતે બંને દેશો વચ્ચે ગુલાબી દડા વડે ડે-નાઇટ ટેસ્ટ મેચનો શુભારંભ થવા જઇ રહ્યો છે. વિશ્વનું સૌથી વધુ કેપેસીટીવાળુ મોટેરા સ્ટેડીયમ એક લાખ 10 હજારની ક્ષમતા ધરાવે છે. નવા સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમાશે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રને હરાવ્યું હતું, જયારે ચેન્નાઇ ખાતે જ બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 317 રને પરાજીત કર્યું હતું.
પ્રથમ ટેસ્ટ માં જો રૂટે 100મી ટેસ્ટ રમતા 218 રનની બેવડી ઇનિંગ્ઝ રમી હતી, તે સાથે જ તે ક્રિકેટ વિશ્ર્વનો એકમાત્ર એવો બેટધર બની ગયો હતો કે જેેણે 100મી ટેસ્ટ રમતા શાનદાર બેવડી સદી ફટકારી હતી. જયારે બીજા ટેસ્ટમાં રોહિત શર્માએ 161 રનની જબરદસ્ત ઇનિંગ્ઝ રમી, તો અક્ષર પટેલ અને રવિચંદ્ર અશ્ર્વિને ઇંગ્લેન્ડનાં બેટધરોને સસ્તામાં પેવેલીયન ભેગા કર્યા હતા, ભારતનો શાનદાર દેખાવ ત્રીજા ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવામાં મદદરૂપ બનશે. ઇંગ્લેન્ડના બેટધરોને ભારતીય ગોલંદાજો સામે છુટથી રમવામાં તકલીફ પડી રહી છે ત્યારે અમદાવાદમાં એન્ડરસન અને સ્ટાર્ક પણ વળતો ઘા કરવા ચાહે છે.
વિરાટ કોહલી ઘરઆંગણે ર1 ટેસ્ટ મેચોમાં વિજય પ્રાપ્ત કરીને ધોનીનાં વિજયની બરોબરી કરી છે, ત્યારે મોટેરા સ્ટેડિયમમાં જો વિરાટ વિજય પ્રાપ્ત કરશે તો એક નવા માઇલસ્ટોનનો તેના નામે ઉમેરો થશે. ઇશાંત શર્મા માટે પણ આ મેદાન 100મી ટેસ્ટ રમવા માટે યાદગાર બની જશે.રવિચંદ્ર અશ્વિને અત્યાર સુધી 76 ટેસ્ટમાં 394 વિકેટો ઝડપી છે, શકય છે તે પણ આ મેદાન પર 400 વિકેટોના આંકને ચોકકસ ટચ કરશે, વિશાળ મેદાન બંને ટીમો માટે એક યાદગાર વેન્યુ બની જશે. અમદાવાદમાં મોટેરામાં ભારતના 12 ટેસ્ટ મેચ રમાયા છે, જેમાંથી ભારતે 4 ટેસ્ટમાં વિજય મેળવ્યો છે, જયારે ર ટેસ્ટ ગુમાવી છે, 6 ટેસ્ટ ડ્રો થઇ છે, સૌરવ ગાંગુલીનાં નેતૃત્વમાં ભારતે દ. આફ્રિકા સામે ર ટેસ્ટ ગુમાવી છે. શ્રીલંકા સામે 1-1 વિજય, જયારે મહમદ અઝહરૂદ્દીન, સચીન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ તથા ધોનીએ 1-1 ટેસ્ટમાં વિજય નોંધાવ્યા છે.
વિરાટ કોહલી એન્ડ કંપની હાલ બેટીંગ-બોલીંગમાં પુરો આત્મવિશ્ર્વાસ ધરાવે છે, ત્યારે ઇંગ્લેન્ડના સુકાની જો રૂટ વિજય માટે તનતોડ મહેનત કરશે, તેમાં લગીરેય શંકા નથી.ભારત મોટેરામાં ડે-નાઇટ ટેસ્ટ રમશે અગાઉ ભારતે કલકતામાં બાંગ્લાદેશ સામે અને એડીલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ડે-નાઇટ ટેસ્ટ રમી છે. બાંગલાદેશમાં ભારતે વિજય મેળવ્યો હતો, જયારે એડીલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે 8 વિકેટે પરાજીત થયું હતું. જે ટેસ્ટમાં ભારતે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ન્યુનતમ ટીમ જુમલો 36 રનનો બનાવ્યો હતો.પરંતુ ઘરઆંગણે ભારત આ ટેસ્ટ ગુમાવવા ચાહતુ નથી, ચેતેશ્ર્વર પુજારાએ લાંબી ઇનિંગ્ઝ રમવી જરૂરી થઇ પડશે. ડે-નાઇટ ટેસ્ટ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા એ કુલ 8 ટેસ્ટ મેચો રમી છે, જે બધી ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલીયાએ હરીફ ટીમને પરાજીત કર્યુ છે. ઓસ્ટ્રેલિયાએ ર01પમાં રમાયેલી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ જીતી હતી, જેમાં ન્યુઝીલેન્ડ 3 વિકેટે હાર્યુ હતું જયારે 2020માં એડીલેડ ખાતે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે હાર્યુ હતું.
ડે-નાઇટ ટેસ્ટ મેચોમાં સૌથી વધુ ટીમ જૂમલાના વિક્રમ પાકિસ્તાન ધરાવે છે. તે ટીમ 2016માં દુબઇ ખાતેની મેચમાં 3 વિકેટ 579 રન બનાવ્યા હતા.જેમાં પાકિસ્તાને વિન્ડીઝને પરાજીત કર્યું હતું. જયારે સૌથી ન્યુનતમ ટીમ જૂમલાનો વિક્રમ ભારતના નામે છે. ભારતે 2020માં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 36 રન જ બનાવી વિક્રમ સર્જયો હતો.ડે-નાઇટ ટેસ્ટ મેચોમાં અત્યાર સુધી કુલ ર ત્રેવડી સદી બે ખેલાડીઓ દ્વારા નોંધાઇ છે. 2016માં દુબઇ ખાતેની ટેસ્ટમાં પાકિસ્તાનનાં અઝહર અલીએ અણનમ 30ર રન બનાવ્યા હતા. રજી ત્રેવડી સદી ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના નામે છે. તેણે 2019માં પાકિસ્તાન સામે 335 રન ઓવલ ડે-નાઇટ ટેસ્ટમાં નોંધાવ્યા હતા. એલીસ્ટર કુકે 243 રનની ઇનિંગ્ઝ 2017માં વિન્ડીઝ સામે બનાવી હતી.એક દાવમાં શ્રેષ્ઠ ગોલંદાજીનો વિક્રમ વિન્ડીઝનાં દેવેન્દ્ર બીસુના નામે છે. તેણે પાકિસ્તાન સામે દુબઇ ખાતે 2016માં 49 રનમાં 8 વિકેટો ઝડપી હતી. આવતીકાલથી શરૂ થતી ડે-નાઇટ ટેસ્ટ ખરા અર્થમાં રોમાંચક બની જશે.
ઇશાંત શર્મા
અમદાવાદનાં મોટેરા ખાતે ઇશાંત શર્મા ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે. તે સાથે જ તે ભારતનો 11મો ખેલાડી બનશે. તેણે અત્યાર સુધી 99 ટેસ્ટમાં 302 વિકેટો ઝડપી છે. તેનો એક દાવમાં શ્રેષ્ઠ દેખાવ 74 રનમાં 7 વિકેટોનો છે. 11 વખત તેણે દાવમાં 5 કે વધુ વિકેટો ઝડપી છે. ભારત તરફથી 100 ટેસ્ટ મેચો રમનાર ખેલાડીઓમાં સચિન તેંડુલકર (200) રાહુલ દ્રવિડ(163) સુનિલ ગાવસ્કર(125) વીવીએસ લક્ષ્મણ (134) વિરેન્દ્ર સહેવાગ (103) સૌરવ ગાંગુલી (113) દિલીપ વેંગસરકર (116) કપિલ દેવ(131) અનિલ કુમ્બલે(132) હરભજનસિંહ (103) તેણે બાંગ્લાદેશ સામે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં 9 વિકેટો ઝડપી હતી, તેણે પ્રથમ દાવમાં 22 રનમાં પાંચ વિકેટો અને બીજા દાવમાં પ6 રન આપીને 4 વિકેટો ઝડપી હતી. કપિલ દેવ બાદ ઇશાંત શર્મા 100 ટેસ્ટ રમનાર ભારતનો એકમાત્ર બીજો ઝડપી ગોલંદાજ છે.