અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચ અને ત્યારપછી એક ડે-ટેસ્ટ તેમજ પાંચ ટી-20 મેચની શ્રેણી રમાવાની હોવાથી શહેર આખું ક્રિકેટના રંગમાં રંગાઈ ગયું છે. દરમિયાન સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટરો અને ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે 6 મહિલા કલાકારોએ 300 કલાક સુધી મહેનત કરીને વિશાળ રંગોળી બનાવી છે જેને જોઈને ક્રિકેટરો આફરિન પોકારી રહ્યા છે. આ રંગોળીમાં અક્ષર પટેલ, ચેતેશ્ર્વર પુજારા, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ સહિતના ક્રિકેટરોની તસવીર બનાવવામાં આવી છે. રંગોળી પાછળ અંદાજે 100થી 150 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.