વોશિંગ્ટન તા.22
હોલીવુડની ફિલ્મોમાં પણ ન જોવા મળે તેવી એક જીવંત ઘટના અમેરિકાના આકાશમાં બની હતી, એક વિમાનના સળગતા એન્જીનના ટુકડા આકાશમાંથી પડતા રહ્યા છતાં પાયલોટો વિમાનનું સરક્ષિત ઈમરજન્સી લેન્ડીંગ કરાવીને 241 લોકોના જીવ બચાવ્યા હતા.
અમેરિકાના ડેનવર આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી ઉડાન ભર્યા બાદ એક એન્જીનમાં આગ લાગી હતી. બાદમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં વિમાનનું એન્જીન પુરેપુરુ ખાખ થઈ ગયું હતું અને તેના સળગતા સ્પેરપાર્ટસ રહેણાંક વિસ્તારમાં પડયા હતા.
અકસ્માત વખતે એક સમયે નીચે લોકોને લાગતું હતું કે વરસાદ વરસી રહયાં છે પણ જયારે એન્જીનના મોટા મોટા ટુકડા પડવા લાગ્યા તો લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. યુનાઈટેડ ફલાઈટ નંબર 328માં આ અકસ્માતની ઘટના બની હતી. પાયલોટ સમય સૂચકતાથી 20 મીનીટમાં જ વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવતા ક્રુ મેમ્બર સહિત 241 લોકોના જીવ બચી ગયા હતા.