રાજકોટ: દેશના મહારાષ્ટ્ર તથા દિલ્હી સહિતના રાજયોમાં ફરી એક વખત વધી રહેલા કોરોના સંક્રમણ કેસમાં હવે ગુજરાતમાં પણ ચિંતા વધી છે અને ખાસ કરીને અમદાવાદ-સુરતમાં ઘટેલા સંક્રમણ તથા પોઝીટીવ કેસમાં ઘટાડા બાદ છેલ્લા બે દિવસમાં ફરી એક વખત કેસ વધતા રાજય સરકારે આપેલા આદેશ મુજબ અમદાવાદ અને સુરતએ મહાપાલિકાએ માર્ગો પરના ટેસ્ટીંગ સેન્ટર ફરી શરુ કરવા નિર્ણય લીધો છે. અમદાવાદ મહાપાલિકાએ દરેક ઝોનમાં આ માટે તૈયારી કરવા અને જરૂરી સ્ટાફને નિયુક્ત કરવા માટે સૂચના આપી છે.
અમદાવાદમાં હાલ જોધપુર ડી માર્ટ, પ્રહલાદનગર ચાર રસ્તા પાસે નવા ટેન્ટ ઉભા કરી દેવાયા છે અને સાંજ સુધીમાં ત્યાં ટેસ્ટીંગની વ્યવસ્થા ગોઠવાઈ જશે. જેમાં એન્ટીજેન ટેસ્ટ થશે અને જરૂર જણાય તો આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ જે તે વ્યક્તિને સીવીલમાં રીફર કરવામાં આવશે. સુરતમાં 20-25 કેસની આસપાસ થોડા દિવસ રોજ કેસ નોંધાયા હતા.પણ છેલ્લા બે દિવસમાં 45 કેસ નોંધાયા છે અને તેથી મહાપાલિકા એલર્ટ બની ગયું છે અને જે ક્ષેત્રમાં વધુ કેસ આવ્યા છે ત્યાં લોકોને સાવધ કરવામાટે પોષ્ટર લગાવાયા છે અને લોકોને માસ્ક પહેરવા તથા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની તાકીદ સાથે દંડ સહિતની કાર્યવાહી પણ થશે તેવી સૂચના અપાઈ છે.