દર 670માંથી 1 અમેરિકનનું કોરોનાથી મોત: અમેરિકામાં કોવિડ મૃત્યુઆંક 5 લાખને વટાવી ગયો

22 February 2021 02:23 PM
World
  • દર 670માંથી 1 અમેરિકનનું કોરોનાથી મોત: અમેરિકામાં કોવિડ મૃત્યુઆંક 5 લાખને વટાવી ગયો

એક વર્ષ પુર્વે દર્શાવાયેલી ચેતવણીથી પણ ડબલ મૃત્યુઆંક : નવા કેસ-મોતમાં ઘટાડો છતાં નવા ખતરનાક વેરીએન્ટથી વધતી ચિંતા

વોશિંગ્ટન તા.22
વિશ્વમાં સૌથી વધુ અને ખતરનાક કોરોના કહેર ધરાવતા અમેરિકામાં કોવિડ મૃત્યુઆંક પાંચ લાખને વટાવી ગયો છે. આજે જો કે, નવા કેસ તથા મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. એક વર્ષ પુર્વે અમેરિકામાં કોરોનાનો પગપેસારો થયો ત્યારે જ નિષ્ણાંતોએ પાંચ લાખ લોકોના મોત થવાની ચેતવણી ઉચ્ચારી હતી અને હવે તે સાચી પડી ગઈ છે. ગત 31 માર્ચે વ્હાઈટ હાઉસ ખાતેના બ્રીફીંગમાં પણ એમ કહેવાયુ હતું કે લોકો ઘરની બહાર ન નીકળે તો પણ 2.40 લાખ અમેરિકનો કોરોનાનો શિકાર બની શકે છે. વ્હાઈટ હાઉસની ગણતરી કરતા પણ બમણી સંખ્યામાં અમેરિકાનો કોરોનાનો ભોગ બન્યા છે. અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક પાંચ લાખને વટાવી ગયો છે. વર્લ્ડોમીટર વેબસાઈટના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે આજની સ્થિતિએ અત્યાર સુધીમાં 5,11,133 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1245 લોકોના મોત ગુમાવ્યા હતા અને આ દરમ્યાન નવા 57098 કેસ નોંધાયા હતા. વિશ્ર્વમાં અમેરિકા જેટલો મોટો મૃત્યુઆંક અન્ય કોઈ દેશમાં નથી. બીજા નંબરના સૌથી સંક્રમીત દેશ એવા ભારતમાં અત્યાર સુધીમાં 1.56 લાખ લોકોનો ભોગ લેવાયો છે. બ્રાઝીલમાં 2.46 લાખ તથા બ્રિટનમાં 1.20 લાખ લોકો કોરોનાનો શિકાર બન્યા છે. બન્ને વિશ્ર્વયુદ્ધ તથા વિયેતનામના યુદ્ધમાં ભોગ બનેલા લોકોનો સરવાળો કરવામાં આવે તો પણ તેના કરતા વધુ લોકો કોરોનામાં માર્યા ગયા છે. કોરોના મૃત્યુઆંક પાંચ લાખને વટાવી ગયો હોવા છતાં અત્યારે રાહતપૂર્ણ ચિત્ર સર્જાયુ છે. નવા કેસ તથા મોતની સંખ્યા ઘટી રહી છે અને રસીકરણની ઝડપ વધી રહી છે છતાં ચિંતાજનક બાબત નવા સ્વરૂપના કોરોનાનું સંક્રમણ છે. સમગ્ર અમેરિકી વસ્તીને રસીકરણમાં મહિનાઓ લાગી જશે એટલે મહામારીને કાબુમાં આવતા પણ લાંબો સમય થવાની શંકા છે. અત્યારની સ્થિતિ 670માંથી એક અમેરિકન કોરાનાનો શિકાર બન્યો છે. માત્ર ન્યુયોર્કમાં જ 28,000 લોકોના અર્થાત 295માંથી 1નું મોત થયુ છે. લોસ એન્જલસમાં 20,000 લોકોના મોત છે અર્થાત 500માંથી 1નું મોત થયુ છે.


Related News

Loading...
Advertisement