કચ્છમાં ચૂંટણી લડવા માંગતા 44 હોદ્દેદારોના રાજીનામા : 38 બળવાખોરને સસ્પેન્ડ કરાયા

22 February 2021 12:25 PM
kutch
  • કચ્છમાં ચૂંટણી લડવા માંગતા 44 હોદ્દેદારોના રાજીનામા : 38 બળવાખોરને સસ્પેન્ડ કરાયા

જિલ્લા-તા.પંચાયતો-પાલિકાઓની ચૂંટણી પૂર્વે ચિત્ર સ્પષ્ટ કરતો ભાજપ

ભુજ, તા. 22
કચ્છમાં યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ઉભેલા ભાજપ સંગઠનના 44 જેટલા હોદ્દેદારોએ તેમના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા છે.ચૂંટણીઓ પૂર્વે પ્રદેશ ભાજપે ચૂંટણી લડવા ઈચ્છતાં સંગઠનના હોદ્દેદારોને ટિકિટ મેળવવી હોય તો સંગઠનમાંથી રાજીનામા આપવાની શરત મૂકી હતી.કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના જણાવ્યા અનુસાર વિવિધ મોરચા-મંડળોમાંથી 44 જેટલા હોદ્દેદારોએ રસ દર્શાવતાં તેમને ટિકિટ આપવાની સાથે તમામના રાજીનામા લઈ લેવાયાં છે.


રાજીનામા પડતાં ચૂંટણી બાદ સંગઠનમાં ખાલી પડેલાં હોદ્દાઓ પર નવેસરથી નિમણૂક કરવામાં આવશે. ટિકિટ મેળવ્યા બાદ ચૂંટણી હારી જનાર હોદ્દેદારને ફરી સંગઠનમાં સ્થાન અપાશે કે કેમ તે બાબત અનિશ્ચિત છે. તેથી ચૂંટણી હારી જનાર અનેક ઉમેદવાર માટે ‘નહી ઘરના કે નહી ઘાટના’ જેવી પરિસ્થિતિનું સર્જન થવાની પણ શક્યતા રહેલી છે.દરમ્યાન,તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમના પરિવારના સદસ્યો પક્ષ હોદ્દો ધરાવતા હોય તો રાજીનામું આપવાની માર્ગદર્શિકા તૈયાર કરી હતી. જેને અનુસરવા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે અપીલ કરતાં હોદેદારોએ રાજીનામું ધરી દીધું છે.કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈનચાર્જ સાત્વિક ગઢવીએ જણાવ્યું હતું કે, તાલુકા મુજબ અબડાસામાં 3 ભુજમાં 6, માંડવીમાં 8, અંજારમાં 7, ગાંધીધામમાં 16, રાપરમાં 4 રાજીનામા આવ્યા છે.


સસ્પેન્ડ

આગામી સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારોના નામો જાહેર થતાં બાદબાકી થયેલા ભાજપના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરોએ પક્ષવિરોધી પ્રવૃત્તિ શરૂ કરી દેતાં મુન્દ્રાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિતના 38 જેટલા કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાતાં બળવાખોરોમાં સોપો પડી ગયો છે.કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ થયેલાં કાર્યકરોમાં અબડાસાના આગેવાન મહેશોજી સોઢા, મુંદરાના જેસર દંપતિનો પણ સમાવેશ થાય છે.


Loading...
Advertisement