ધવન, સૂર્યા, ઈશાન, રાહુલને 1 માર્ચ સુધીમાં અમદાવાદ પહોંચી જવા આદેશ

22 February 2021 12:17 PM
Sports
  • ધવન, સૂર્યા, ઈશાન, રાહુલને 1 માર્ચ સુધીમાં અમદાવાદ પહોંચી જવા આદેશ

12 માર્ચથી ભારત-ઈંગ્લેન્ડ શરૂ થશે પાંચ ટી-20 મેચની શ્રેણી: અત્યારે આ ચારેય ખેલાડીઓ વિજય હઝારે ટ્રોફી રમી રહ્યા છે જેના હજુ બે કે ત્રણ મેચ રમવાની છૂટ

નવીદિલ્હી, તા.22
વિજય હઝારે ટ્રોફીમાં રમી રહેલા ઓપનિંગ બેટસમેન શિખર ધવન સહિતના ભારતના મર્યાદિત ઓવરોના નિષ્ણાત ખેલાડીઓને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટી-20 શ્રેણી પહેલાં એક માર્ચ સુધીમાં અમદાવાદ પહોંચી જવા આદેશ આપવામાં આવ્યો છે. ધવન ઉપરાંત યુવા ખેલાડી ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને રાહુલ તેવટિવા પણ 50 ઓવરની વિજય હઝારે ટ્રોફીમાં રમી રહ્યા છે અને પાંચ શહેરોમાં બનેલા બાયો-બબલમાં ટીમ સાથે રહે છે. ક્રિકેટ બોર્ડે અમદાવાદમાં 12 માર્ચથી શરૂ થઈ રહેલી ટી-20 શ્રેણી માટે 19 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે.


એક અધિકારીએ જણાવ્યું કે શિખર ધવને એક માર્ચ સુધીમાં અન્ય ખેલાડીઓ સાથે અમદાવાદ પહોંચવાનું છે. જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી મર્યાદિત ઓવરના તમામ નિષ્ણાતોને બેથી ત્રણ મેચ રમવા માટે કહેવાયું છે જેનાથી તેમની શૈલી જળવાયેલી રહે કેમ કે તેમણે કોવિડ-19 નિયમો વચ્ચે વધુ એક જૈવિક સુરક્ષિત માહોલ (બાયો-બબલ)માં જવાનું છે.


ટી-20 શ્રેણી 12થી 20 માર્ચ વચ્ચે રમાશે અને ત્યારપછી વન-ડે શ્રેણી પૂણેમાં 23થી 28 માર્ચે રમાશે. ચાર મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર ચાલી રહી છે જ્યારે ત્રીજો ટેસ્ટ બુધવારથી અમદાવાદમાં રમાશે. પહેલો ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે 227 રનથી જીત્યો હતો અને ત્યારપછી બીજા ટેસ્ટ મેચમાં ભારતે 317 રને જીત મેળવી હતી. આ બન્ને મેચ ચેન્નાઈમાં રમાયા હતા.

ઈંગ્લેન્ડ સામે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકિપર), ઈશાન કિશાન (વિકેટકિપર), યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, ટી.નટરાજન, ભુવનેશ્ર્વરકુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દૂલ ઠાકુર.

ભારત-ઈંગ્લેન્ડ ટી-20 શ્રેણીનો કાર્યક્રમ
તારીખ સમય
12 માર્ચ સાંજે 6 વાગ્યે
14 માર્ચ સાંજે 6 વાગ્યે
16 માર્ચ સાંજે 6 વાગ્યે
18 માર્ચ સાંજે 6 વાગ્યે
20 માર્ચ સાંજે 6 વાગ્યે
વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
તારીખ સમય સ્થળ
23 માર્ચ બપોરે 2:30 વાગ્યે પૂના
26 માર્ચ બપોરે 2:30 વાગ્યે પૂના
28 માર્ચ સવારે 9:30 વાગ્યે પૂના


Related News

Loading...
Advertisement