મોટેરામાં ટીમ ઈન્ડિયાની જીત પાક્કી ? આ રહ્યા ત્રણ કારણો

22 February 2021 12:10 PM
Sports
  • મોટેરામાં ટીમ ઈન્ડિયાની જીત પાક્કી ? આ રહ્યા ત્રણ કારણો

છેલ્લા 9 વર્ષથી ટીમ ઈન્ડિયા ઘરમાં એક પણ ટેસ્ટ શ્રેણી હારી નથી: મોટેરામાં ઈંગ્લેન્ડ સામે ભારત ‘અજેય’: ઘરઆંગણાનો ફાયદો પૂરો મળશે

અમદાવાદ, તા.22
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ બુધવારથી અમદાવાદના મોટેરામાં શરૂ થઈ રહ્યો છે. આ ડે-નાઈટ ટેસ્ટ હોવાથી ગુલાબી બોલથી રમાશે. ગુલાબી બોલથી અત્યાર સુધી દેશમાં એક જ ટેસ્ટ રમાયો છે અને ટીમ ઈન્ડિયાએ તેમાં જીત મેળવી હતી. આવામાં ટીમ ઈન્ડિયાનું આ મેચ જીતવું પણ લગભગ નક્કી જ માનવામાં આવે છે અને તેના ત્રણ મોટા કારણ પણ છે. અત્યારે ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર છે. વર્લ્ડ ચેમ્પિયનશીપના ફાઈનલમાં પહોંચવા માટે શ્રેણીના બચેલા બન્ને મેચ ભારત-ઈંગ્લેન્ડ માટે મહત્ત્વના છે.


પહેલું કારણ
અત્યાર સુધી છ ટીમોએ ઘરઆંગણે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ છે. વિન્ડિઝને બાદ કરતાં તમામે ઘરઆંગણે ડે-નાઈટ ટેસ્ટ જીત્યા છે. વિન્ડીઝની ટીમ ટેસ્ટમાં કમજોર માનવામાં આવે છે અને તે રેન્કીંગમાં પણ આઠમા ક્રમે છે એટલે કે ટોચની ટીમોએ ઘરમાં ડે-નાઈટ ટેસ્ટ હાર્યો નથી. ભારતમાં ટેસ્ટ એસજી બોલથી જ્યારે ઈંગ્લેન્ડમાં ડયુક બોલથી રમાય છે એટલા માટે બોલનો ફાયદો પણ મળવાની પૂરેપૂરી સંભાવના છે.


બીજું કારણ
ઈંગ્લેન્ડની ટીમ ભારતને મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટમાં ક્યારેય હરાવી શકી નથી. બન્ને વચ્ચે મેદાન પર બે ટેસ્ટ રમાયા છે. ટીમ ઈન્ડિયાએ એક ટેસ્ટમાં જીત મેળવી છે તો એક ટેસ્ટ ડ્રો રહ્યો છે. ટીમ ઈન્ડિયા મોટેરામાં છેલ્લા 13 વર્ષથી હારી નથી અને અંતિમ ત્રણમાંથી એક મેચ જીત્યો છે તો બે ડ્રો રહ્યા છે. પીચને સ્પિન બોલરોના હિસાબથી તૈયાર કરવામાં આવી રહી છે તેથી અશ્ર્વિન અને અક્ષરની જોડી ફરી એક વખત ઈંગ્લીશ ટીમ ઉપર ભારે પડી શકે છે.


ત્રીજું કારણ
ટીમ ઈન્ડિયાએ 9 વર્ષથી ઘરમાં કોઈ ટેસ્ટ શ્રેણી હારી નથી અને સતત 12 શ્રેણી જીતી છે. આ દરમિયાન ભારતે બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, વિન્ડિઝ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને હરાવી છે એટલે કે 8 ટીમો પાછલી 12 શ્રેણીથી આપણને ઘરમાં હરાવી શકી નથી. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ભારતમાં રમાયેલી પાછલી શ્રેણીમાં 4-0થી હરાવી હતી. પાંચ મેચની શ્રેણીનો એક મેચ ડ્રો રહ્યો હતો તો બે મેચ આપણે ઈનિંગથી જીત્યા હતા.


ભારતીય પીચ અંગે ખટપટ કરી રહેલા ‘કચકચીયા’ઓની બોલતી બંધ કરતો રોહિત
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પીચનો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. ચેન્નાઈના ચેપોકમાં રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં પીચને લઈને ઈંગ્લીશ ક્રિકેટરો દ્વારા થયેલી ટીકા બાદ હવે મોટેરાની પીચને લઈને પણ સવાલ ઉઠવા લાગ્યા છે. જો કે રોહિત શર્માએ પીચના સવાલ પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મોટેરાની પીચ સ્પિનર્સને મદદ કરી શકે છે. તેણે ક્રિકેટ નિષ્ણાતોને પીચને લઈને કચકચ છોડી રમત પર ધ્યાન આપવામાં કહ્યું છે. રોહિતે કહ્યું કે બન્ને ટીમો માટે પીચ એકસમાન હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં આવી જ પીચો જોવા મળી રહી છે. અમે વિદેશ જઈએ છીએ ત્યારે ફાસ્ટ બોલરોને મદદગાર પીચ તૈયાર કરાય છે ત્યારે બધાની બોલતી બંધ જ હોય છે. હોમ અને અવે (વિદેશી જમીન)નો આ જ ફાયદો થાય છે. અમે અમારા મુજબ પીચ બનાવીએ છીએ આમ છતાં જો કોઈને વાંધો હોય તો તે આઈસીસીને ફરિયાદ કરી શકે છે.


મોટેરામાં ઈશાંત શર્મા લગાવશે ‘સ્પેશ્યલ સદી’
ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા બુધવારથી શરૂ થઈ રહેલા ઈંગ્લેન્ડ સામેના ટેસ્ટ મેચમાં ‘સ્પેશ્યલ સદી’ લગાવશે. ઈશાંતનું ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં રમવું ફાઈનલ હોવાથી તે ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમનારો બીજો ફાસ્ટ બોલર બની જશે. તેના પહેલાં આ કારનામું કપિલ દેવ જ કરી શક્યા છે. દરમિયાન ઈશાંતના પૂર્વ સાથી અને કોચ વિજય દહિયાએ કહ્યું કે ઈશાંત 100 ટેસ્ટ મેચ રમનારો ભારતનો અંતિમ ફાસ્ટ બોલર હશે. મને નથી લાગતું કે કોઈ બીજું આ મુકામ સુધી પહોંચી શકશે. મોટાભાગના ફાસ્ટ બોલરો પોતાને આઈપીએલ અને મર્યાદિત ઓવરના મેચ માટે બચાવીને રાખે છે. આવામાં 100 ટેસ્ટ મેચ રમવા અત્યંત મુશ્કેલ બની જશે.


Related News

Loading...
Advertisement