અમદાવાદ, તા.20
સીનિયર ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ફિટનેસ ટેસ્ટ બે દિવસની અંદર પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ખબર પડશે કે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડે-નાઈટ ટેસ્ટમાં ભારતીય ટીમનો હિસ્સો બનશે કે નહીં. અમદાવાદના મોટેરામાં આ ટેસ્ટ 24મી ફેબ્રુઆરીથી શરૂ થશે. દરમિયાન ભારતીય ટીમ મેનેજમેન્ટની પસંદ અનુસાર ફરી એક વખત સ્પીનરો માટેની મદદગાર પીચ તૈયાર કરવામાં આવશે જેથી રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ પોતાનું શાનદાર પ્રદર્શન દોહરાવી શકે.
બીજા ટેસ્ટમાં 20માંથી 15 વિકેટ અક્ષર અને અશ્વિને ખેડવી હતી. ડે-નાઈટ ટેસ્ટ હોવાને કારણે કુલદીપ યાદવની જગ્યાએ ત્રીજા બોલરને ઉતારવામાં આવી શકે છે. આવામાં ઉમેશ અને મોહમ્મદ સિરાજમાંથી કોઈ એક બોલરને તક મળશે.બોર્ડના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે ઉમેશનો ફિટનેસ ટેસ્ટ બે દિવસની અંદર લેવાશે. ઉમેશ માંસપેશીની ઈજાને કારણે પાછલા વર્ષે મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજા ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમોએ એક-એક મેચ જીત્યો છે. પહેલો મેચ ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો જ્યારે બીજો મેચ ભારતે 317 રનના મોટા અંતરથી પોતાના નામે કર્યો હતો. આ બન્ને મેચ ચેન્નાઈમાં રમાયા હતા.
દરમિયાન એકબાજુ જ્યાં મોટેરાની પીચ પણ સ્પીનર્સની મદદગાર ગણવામાં આવી રહી છે તો બીજી બાજુ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડનું માનવું છે કે ભારત વિરુદ્ધ ડે-નાઈટ ટેસ્ટમાં જો બોલ સીમ લ્યે છે તો જેમ્સ એન્ડરસન જેવા તેના શ્રેષ્ઠ સીમ બોલરો કહેર વરસાવી દેશે. વુડે કહ્યું કે બોલ સીમ થયો તો અમને ખબર છે કે અમારા બોલરો કેટલા ઉમદા છે. અમારી પાસે કૌશલની કમી નથી અને જેમ્સ એન્ડરસન તેમજ સ્ટુઅર્ટ બ્રોડના રૂપમાં અમારી પાસે બે સર્વશ્રેષ્ઠ સીમર પણ છે. અમને આશા છે કે બોલ સીમ લેશે અને પીચ તરફથી પણ મદદ મળશે. જો આમ થશે તો અમારો આત્મવિશ્વાસ પણ વધશે. ત્રીજા ટેસ્ટ મેચ માટે જોની બેરિસ્ટો અને વુડ ટીમ સાથે જોડાયા છે.