આજથી વિજય હઝારે ટ્રોફી: 38 ટીમો વચ્ચે થશે ટક્કર: શ્રેયસ, ધવન, ભુવનેશ્વર પર સૌની નજર

20 February 2021 10:34 AM
Sports
  • આજથી વિજય હઝારે ટ્રોફી: 38 ટીમો વચ્ચે થશે ટક્કર: શ્રેયસ, ધવન, ભુવનેશ્વર પર સૌની નજર

14મી માર્ચે ફાઈનલ મુકાબલો: ટીમ સૌરાષ્ટ્ર કાલે જમ્મુ-કાશ્મીર સામે ટકરાશે

નવીદિલ્હી, તા.20
સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ બાદ હવે ભારતમાં 50 ઓવરના મુકાબલા શરૂ થવાના છે. આજથી ભારતની ઘરેલું ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી શરૂ થઈ રહી છે. દેશના છ શહેરોમાં બાયો-બબલ હેઠળ આ મુકાબલા રમાશે. ટૂર્નામેન્ટમાં શિખર ધવન, શ્રેયસ અય્યર, ભુવનેશ્ર્વર કુમાર સહિતના ખેલાડીઓ પણ ભાગ લેવાના હોવાથી તેમના પ્રદર્શન ઉપર સૌની નજર મંડાયેલી રહેશે કેમ કે તેમનું આ પ્રદર્શન જ તેમને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે અને ટી-20 શ્રેણી માટે ટીમમાં પસંદગીની ટિકિટ અપાવી શકે છે. ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમ પણ ભાગ લઈ રહી હોય તેનો મુકાબલો આવતીકાલે સવારે 8:45 વાગ્યાથી કોલકત્તાના ગ્રાઉન્ડ પર જમ્મુ-કાશ્મીર સામે થશે.


તાજેતરમાં જ મુશ્તાક અલી ટ્રોફી જીતનારી તામીલનાડુની ટીમ મજબૂત છે પરંતુ કર્ણાટક, મુંબઈ અને દિલ્હીની દાવેદારી પણ મજબૂત ગણાઈ રહી છે. આ ટૂર્નામેન્ટ દ્વારા ખેલાડીઓ રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચવાની કોશિશ કરશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણી માર્ચથી શરૂ થશે જેમાં પાંચ ટી-20 અને ત્રણ વન-ડે રમાશે. વિજય હઝારે ટ્રોફીના મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર થશે. આ ઉપરાંત ડીઝની+હોટસ્ટાર ઉપર પણ મુકાબલા જોઈ શકાશે. આ ટૂર્નામેન્ટમાં છ ગ્રુપ બનાવાયા છે જેમાં પાંચ એલીટ અને એક પ્લેટ ગ્રુપનો સમાવેશ થાય છે. આ તમામ ગ્રુપની મળી કુલ 38 ટીમો ભાગ લેશે. 7 માર્ચે એલિમિનેટર મેચ રમાશે. જ્યારે 8 અને 9 માર્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે. 11 માર્ચે બે સેમિફાઈનલ રમાશે અને 14મી માર્ચે ટૂર્નામેન્ટનો ફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટના મેચ દેશના 6 ગ્રાઉન્ડ ઉપર રમાશે જેમાં સુરત, ઈન્દોર, બેંગ્લોર, જયપુર, કોલકત્તા અને તામીલનાડુનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement