નવીદિલ્હી, તા.20
ઈન્ડિયન પ્રિમીયર લીગ-2021ની હરાજી બાદ હવે સવાલ એ ઉપસ્થિત થવા લાગ્યો છે કે આ વખતે ટૂર્નામેન્ટ દેશમાં રમાશે કે વિદેશમાં ? દરમિયાન અહેવાલો મળી રહ્યા છે કે આ વખતનો આઈપીએલ ભારતમાં જ રમાઈ શકે છે અને તેના લીગ રાઉન્ડ મુંબઈ અને નોકઆઉટ મેચ અમદાવાદમાં આયોજિત કરવામાં આવી શકે છે.અહેવાલો અનુસાર દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદલે ગુરૂવારે યોજાયેલી હરાજી દરમિયાન આ પ્રકારના સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું કે જે હું જોઈ રહ્યો છું અને સાંભળી રહ્યો છું
કે જો ઈંગ્લેન્ડ ભારતના પ્રવાસે આવી શકે છે, જો આઈએસએલના તમામ મેચ ગોવામાં રમાઈ શકે છે, જો વિજય હઝારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી તમામ શહેરોમાં રમાઈ શકે છે તો પછી આઈપીએલ વિદેશમાં રમાય તેવી સંભાવના જ નથી. મને લાગે છે કે આ વખતે આઈપીએલ ભારતમાં જ રમાશે. પાર્થ જિંગલે આગળ કહ્યું કે મને એવું લાગી રહ્યું છે લીગ સ્ટેજ એક જ વેન્યુ પર રમાડવામાં આવી શકે છે અને પ્લેઓફ બીજા ગ્રાઉન્ડ પર રમાઈ શકે છે. અહેવાલો અનુસાર મુંબઈમાં લીગ મેચ આયોજિત થઈ શકે છે
કેમ કે ત્યાં ત્રણ ગ્રાઉન્ડ છે અને પર્યાપ્ત પ્રેક્ટિસની પણ સુવિધા છે. આ પછી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નોકઆઉટ મેચ આયોજિત થઈ શકે છે.જિંદલે આગળ કહ્યું કે જો મુંબઈમાં તમામ મેચ રમાય છે તો તેનાથી દિલ્હી કેપિટલ્સને ઘણો ફાયદો થઈ શકે છે. દિલ્હીની ટીમમાં મુંબઈના અનેક ખેલાડીઓ છે. કેપ્ટન શ્રેયસ અય્યર, પૃથ્વી શો, અજિંક્ય રહાણે સહિતના તમામ મુંબઈમાં જ ક્રિકેટ રમે છે. સાથે જ સ્ટિવ સ્મિથની બેટિંગ મુંબઈની વિકેટ ઉપર કમાલની સાબિત થઈ શકે છે.