નવી દિલ્હી તા. 19
શું આપ જાણો છો ? કોરોનાથી બચવા આપણે કેટલો ઉકાળો પીધો ? કદાચ નથી જાણતા તો સાંભળો એક સર્વે અનુસાર માત્ર ચાર મહિનામાં લગભગ 36 કરોડથી વધારે લીટર ઉકાળો આપણે ગટગટાવી ગયા છીએ. આ આકડો યોગ શિક્ષક મહાસંઘ અને તેની સાથે જોડાયેલા આયુર્વેદિક ડોકટરો દ્વારા ચાર મહીના સુધી કરવામાં આવેલા એક વિશેષ સર્વેમાં બહાર આવ્યો છે. એવો પ્રચાર થાય છે કે આયુર્વેદિક ઉકાળાની કોઇ આડઅસર નથી થતી હોતી પણ આ સર્વેમાં એવી પણ ચોંકાવનારી હકીકત બહાર આવી કે જેમણે ઉકાળો પીધો તેમાં 30 ટકા લોકોને લીવરની સમસ્યા સહીત એસીડીટી, પાઇલ્સ જેવી સમસ્યાઓ પેદા થઇ હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આયુષ મંત્રાલયે ભારતીય પુરાતન ચિકિત્સા પધ્ધતિને માત્ર ખુબ પ્રચારિત જ ન કરી બલકે તેના લાભ પણ જોવા મળ્યા હતા.ભારતીય ચિકિત્સા પધ્ધતિની કોરોનામાં શું લાભ થયો એ જાણવા માટે અખીલ ભારતીય યોગ શિક્ષક મહાસંઘે 10 લાખ કોરોના અસરગ્રસ્ત દર્દીઓનો સર્વે કર્યો હતો. આ સર્વે દેશના અલગ અલગ રાજયોમાં સંઘની શાખાઓ દ્વારા કરાયો હતો. મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મંગેશ ત્રિવેદીએ જણાવ્યું હતું
કે તેમના સર્વેમાં દેશના દરેક રાજયોમાં 10 લાખ દર્દીઓ અને તેમના પરિવારનાર ચાર સભ્યો મળી કુલ 40 લાખ લોકોમાંથી ઉપયોગમાં લેવાયેલી દવા અને ઉકાળાના સંબંધમાં જાણકારી મેળવાઇ હતી. જેમાં જાણવા મળ્યું કે ઘરમાં દરરોજ દરેક વ્યકિત અડધાથી પોણો લીટર ઉકાળો પીતો હતો. અત્યાર સુધીના ઇતિહાસમાં કયારેય આટલો પેય પદાર્થનો ઉપયોગ નથી થયો.આયુર્વેદ ડોકટર અનુરાગ વત્સ જણાવે છે કે ઉકાળાથી લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધી હતી. જોકે તેની આડઅસર પણ થઇ હતી કે ઉકાળાથી લોકોને લીવર અને એસિડીટી સંબંધી સમસ્યા પેદા થઇ હતી.