‘પલક વસા એન્ડ ટીમ’નું સ્ટાર્ટઅપ: ત્રણ મહિને થતું ઓડિટ 30 સેકન્ડમાં થઈ જશે

18 February 2021 06:15 PM
Rajkot Technology
  • ‘પલક વસા એન્ડ ટીમ’નું સ્ટાર્ટઅપ: ત્રણ મહિને થતું ઓડિટ 30 સેકન્ડમાં થઈ જશે

રાજકોટના પાંચ, ઝારખંડ, બંગાળ, યુપી, રાજસ્થાનના વિદ્યાર્થીઓએ મળી ‘આઈ-ઓડિટ’ નામનો સોફ્ટવેર બનાવ્યો

રાજકોટ, તા.18
દેશમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નવા-નવા ‘સ્ટાર્ટઅપ’ને ‘બુસ્ટ’ આપવાનું શરૂ કરવામાં આવતાં વિદ્યાર્થીઓ દ્વારા દેશ, રાજ્ય, સમાજ, વ્યવસાયને ઉપયોગી ટેક્નોલોજીનો આવિષ્કાર ઉમળકાભેર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટના પલક દિલીપભાઈ વસા એન્ડ ટીમે બેન્કીંગ ક્ષેત્રને અત્યંત ઉપયોગી એવો એક સોફ્ટવેર બનાવ્યો છે જેની આમ તો અનેક ખાસિયતો છે પરંતુ સૌથી મોટી ખૂબી એ છે કે આ સોફ્ટવેર થકી બેન્કોને ઓડિટ કરવા માટે લાગતો ત્રણ મહિનાનો સમય બચી જશે અને તેમનું ઓડિટ માત્ર 30 સેક્ધડમાં જ પૂર્ણ થઈ જશે ! પલક વસા એન્ડ ટીમમાં રાજકોટના પાંચ, ઝારખંડ, બંગાળ, રાજસ્થાન, યુપી સહિતના વિદ્યાર્થીઓ સામેલ છે અને તેઓએ 6 મહિનાની અંદર દિવસ-રાત મહેનત કરીને ‘આઈ-ઓડિટ’ નામનો સોફ્ટવેર બનાવ્યો છે જે બેન્ક, વિવિધ કંપનીઓ સહિતના માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ સોફ્ટવેરની ખૂબીઓ જણાવવા માટે પલક વસા એન્ડ ટીમે ‘સાંજ સમાચાર’ની મુલાકાત લીધી હતી.


‘સાંજ સમાચાર’ની મુલાકાત દરમિયાન પલક વસા એન્ડ ટીમે જણાવ્યું હતું કે પલક વસા, સ્મિત પરસાણીયા, ધારા ઘેલાણી સહિતના રાજકોટીયન્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી તેઓ ઓડિટ અંગેની ઉંડાણપૂર્વકની સમજણ ધરાવે છે. ઓડિટ પાછળ ત્રણેક મહિના જેટલો સમય લાગી જતો હોવાને કારણે તેમણે આ સમયને બચાવવા માટે એક સોફ્ટવેર બનાવવાનું નક્કી કર્યું હતું. આ પછી તેમના સહિત 10 લોકોની ટીમ બનાવવાનો નિર્ણય લીધો અને ટીમમાં સામેલ થવા માટે તેમણે 1000 જેટલા ફોન કર્યા હતા. આ પછી 250થી વધુ લોકોના ઈન્ટરવ્યુ લઈને તેમની વિવિધ પ્રકારની ટેસ્ટ લીધી હતી. ટેસ્ટના અંતે ટીમમાં પલલ્લવી ગુપ્તા, નિખીલ શોફ, ઉત્કર્ષ ડાલમીયા, અમીતકુમાર મૌર્યા સહિતનાને પસંદ કર્યા હતા. આ તમામ લોકો પણ બેન્કીંગ, એન્જિનિયરિંગ સહિતના અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા હતા. ત્યારબાદ ટીમે ‘આઈ-ઓડિટ’ નામનો સોફ્ટવેર બનાવવાનો નિર્ણય લઈ કામગીરી શરૂ કરી દીધી હતી.


અંદાજે છ મહિના સુધી મહેનત કર્યા બાદ ટીમની મહેનત રંગ લાવી હતી અને આઈ-ઓડિટ બનીને તૈયાર થઈ ગયો હતો. આ પાછળ 20 લાખથી વધુનો ખર્ચ થયો હોવાનું પલક વસાએ જણાવ્યું હતું. સોફ્ટવેર તૈયાર થઈ ગયા બાદ વિવિધ બેન્કો સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું જેને જોઈને બેન્કો પણ અભિભૂત થઈ ગઈ હતી અને પ્રેઝન્ટેશન બાદ પોતાની બેન્કમાં આ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા માટે તૈયારી દર્શાવી હતી.


પલક દિલીપભાઈ વસાએ જણાવ્યું હતું કે અત્યારે નાગરિક બેન્કમાં ‘આઈ-ઓડિટ’ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે જીવન કોમર્શિયલ બેન્ક, વિજય કોમર્શિયલ બેન્ક અને સિટીઝન બેન્કમાં ટૂંક સમયમાં સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત નામાંકિત કંપની બાલાજી વેફર્સ, ઈપીપી કમ્પોઝીટ, વિઝા મની ગ્લોબલમાં પણ અત્યારે ‘આઈ-ઓડિટ’ થકી જ કામ થઈ રહ્યું છે. પલકે આ સોફ્ટવેરનો ફાયદો જણાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં આખા વર્ષનું ઓડિટ (હિસાબ-કિતાબ) થતો હોય છે અને તેની પાછળ મોટો સ્ટાફ, ટેક્નોલોજી સહિતની જરૂર રહેતી હોય છે અને ઓડિટની સંપૂર્ણ પ્રક્રિયા મેન્યુઅલી થતી હોય છે પરંતુ આઈ-ઓડિટ સોફ્ટવેર થકી તમામ કામગીરી દર મહિને કરી શકાશે અને તેના પાછળ બહુ લોકોની જરૂરિયાત પણ રહેશે નહીં.આઈ-ઓડિટ થકી તેમણે 15 લાખ એકાઉન્ટ, ત્રણ હજાર કરોડનું ધીરાણ, પાંચ હજાર કરોડની ડિપોઝીટ સહિતનાનું ઓડિટ કર્યું હોવાનું પલકે જણાવ્યું હતું. આ સાથે જ તેણે કહ્યું હતું કે ‘આઈ-ઓડિટ’ વિશ્ર્વનો સૌપ્રથમ સોફ્ટવેર છે જે આટલી ઝડપે ઓડિટ પ્રક્રિયા પૂર્ણ કરી બતાવે છે. આગામી સમયમાં આ સોફ્ટવેરમાં વિવિધ અપડેટ પણ આપતાં રહેવામાં આવશે અને સોફ્ટવેરને રિઝર્વ બેન્કની ગાઈડલાઈન પ્રમાણે જ તૈયાર કરાયો હોવાની વાત પણ તેણે ટાંકી હતી. ‘સાંજ સમાચાર’ની મુલાકાત વેળાએ ‘ટીમ પલક વસા’ સાથે આ સોપાનમાં ડગલેને પગલે સાથ આપનાર દિલીપભાઈ વસા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સોફ્ટવેર અંગેની બારીક માહિતી આપી હતી.આટલી ઝડપે ઓડિટ પૂર્ણ કરી દેતો વિશ્વનો પ્રથમ સોફ્ટવેર: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડિઝાઈનર, એન્જિનિયરોએ અદ્ભુત ‘સમન્વય’ સાધી અત્યંત ઉપયોગી સોફ્ટવેર દેશને આપ્યાનું ગૌરવ

‘આઈ-ઓડિટ’ સોફ્ટવેરની કિંમત માત્ર 3 લાખ રૂપિયા
પલક વસાએ ઉમેર્યું કે ‘આઈ-ઓડિટ’ સોફ્ટવેરની કિંમત માત્ર 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને આટલી રકમ ચૂકવીને કોઈ પણ બેન્ક, કોર્પોરેટ કંપની એક વર્ષ સુધી સેવા મેળવી શકશે. આ સોફ્ટવેરની રાજ્ય સરકારે પણ નોંધ લીધી છે અને ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ સોફ્ટવેરનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે.


મહાપાલિકામાં પણ ‘આઈ-ઓડિટ’ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા વિચારણા
‘ટીમ પલક વસા’એ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને મળીને જ્યારે ‘આઈ-ઓડિટ’ સોફ્ટવેર વિશે માહિતગાર કર્યા તો તેઓ પણ ખાસ્સા અભિભૂત થયા હતા અને મહાપાલિકામાં આ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા માટે તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત ટીમને દર વર્ષે રાજકોટમાં યોજાતી હેકેથોનમાં સામેલ થવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.

નાગરિક, જીવન, વિજય, સિટીઝન સહિતની બેન્કોમાં સોફ્ટવેર થકી જ ઓડિટકાર્ય થશે: બાલાજી વેફર્સ સહિતની નામાંકિત કંપનીઓએ પણ દાખવ્યો ઉમદા રસ: છ મહિના સુધી રાત-દિવસ મહેનત કર્યા બાદ બનાવ્યો સોફ્ટવેર: ‘ટીમ પલક વસા’ ‘સાંજ સમાચાર’ની મુલાકાતે


ટીમના 10 લોકોએ દોઢ કરોડનું ‘સેલેરી પેકેજ’ છોડી દીધું !
પલક દિલીપભાઈ વસાએ જણાવ્યું હતું કે હું પાંચ વર્ષ કરતાં વધુ સમયથી નામાંકિત કંપની આઈટીસી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત હતો. મારી જેમ જ ટીમના અન્ય સભ્યો પણ નામાંકિત બેન્કો, કંપનીઓ સાથે જોડાયેલા હતા પરંતુ ‘આઈ-ઓડિટ’ સોફ્ટવેર બનાવવાનો આઈડિયા આવતાં એક ટીમ બનવાનો નિર્ણય લેવાયો હતો અને તમામે પોતપોતાની નોકરી છોડીને સોફ્ટવેર માટે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ તમામ લોકોનું ‘સેલેરી પેકેજ’ અંદાજે દોઢ કરોડ જેટલું થવા જાય છે !


Related News

Loading...
Advertisement