પ્રભુ રામે રાવણને માર્યો નથી, તાર્યો છે: પૂ. ભાઈશ્રી

17 February 2021 11:11 AM
Porbandar
  • પ્રભુ રામે રાવણને માર્યો નથી, તાર્યો છે: પૂ. ભાઈશ્રી
  • પ્રભુ રામે રાવણને માર્યો નથી, તાર્યો છે: પૂ. ભાઈશ્રી

પોરબંદરમાં સાંદીપની વિદ્યા નિકેતનના આંગણે પૂ. રમેશભાઈ ઓઝાના સાંનિધ્યમાં ચાલતી રામકથા: તા.13થી21 સુધી ચાલનાર રામકથા દરમ્યાન ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃતિના કાર્યો હાથ ધરાયા: ગઈકાલે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનથી ભાવિકો વિભોર બન્યા: પુસ્તક વિમોચન કરાયું

પોરબંદર તા.17
ભગવાન શ્રીરામચંદ્રજીનું ભારતની ધરાધામ પર અવતરણ અનેકોના ઉદ્ધાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઈએ કે ભગવાન રામે રાવણને માર્યો નથી, પરંતુ તાર્યો છે. એ જ રીતે માત્ર મારીને તારવાની જ વાત નહીં, પરંતુ સત્પાત્રોની સારી વાતો પણ જગત સમક્ષ ઉજાગર કરવાનું કાર્ય ભગવાન શ્રીરામચંદ્રજીએ કર્યુ છે, જેમકે ભરતના ગુપ્તપ્રેમને ઉજાગર કર્યો છે, એમ રાષ્ટ્રીય સંત પૂજયભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં ચોથા દિવસે, મંગળવારે પોરબંદર સ્થિત સાંદીપની વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.


ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપની વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો 15મો પાટોત્સવ-વર્ષ 2021, તા.13/02/21 થી 21/02/21 દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ 19ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદીત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે.


કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જયોત્સનાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન- યુ.કે. છે. દૈનિક યજમાન ખંજનબેન, પ્રતિકભાઈ અને પ્રણય શર્મા, યુ.કે., પુષ્પાબેન, પોપટભાઈ, શીલાબેન અને રાજેશભાઈ સામાણી, યુ.કે. અને ચાંદનીબેન તથા અંજનાબેન પિંડોરીયા, યુ.કે. રહ્યા હતા અને શિખર ધ્વજા યજમાન પાર્થ આચાર્ય, ધારા આચાર્ય, શિવાની આચાર્ય તથા કાજલ આચાર્ય યુ.કે. રહ્યા હતા. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલીકાસ્ટ સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનીના વિવિધ મીડીયા પ્લેટફોર્મના માધ્યમથી પ્રતિદીપ બપોર પછી 3.30 થી થશે.


ગોવર્ધન પૂજા એવાં અન્નકૂટ દર્શન
શ્રીહરિ મંદિરનાં 15માં પાટોત્સવમાં ગઈકાલે વસંતપંચમીના પાવન દિવસે શ્રીહરિ મંદિરની બગીચામાં પૂજય ભાઈશ્રી દ્વારા ગઈકાલે ગિરીરાજ શ્રીનાથજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી. ગોવર્ધન પૂજાના બંને મનોરથી દર્શનાબેન દિનેશભાઈ કાપડીયા, અમેરિકા અને રેખાબેન અને કિશનભાઈ પટેલ, અમેરિકા ઝુમના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને ગોવર્ધન ગીરીરાજના દર્શન કર્યા હતા. પૂજય ભાઈશ્રીએ આશિર્વચન પાઠવ્યા હતા.


પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ શ્રીહરિ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે વિગ્રહોને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો અને મધ્યાહનમાં પૂજય ભાઈશ્રીના કરકમલો દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની અન્નકૂટ આરતી ઉતારવામાં આવી હતી અને સંકીર્તન કરવામાં આવ્યું હતું. કોવિડ 19 મર્યાદાઓનું પાલન કરીને ભાવિકોને અન્નકૂટના દર્શન કર્યા હતા.


પુસ્તક વિમોચન
શ્રીહરિ મંદિરના 15માં પાટોત્સવ અંતર્ગત આજે વસંત પંચમી સરસ્વતી પૂજનના પાવન દિવસે પૂજય ભાઈશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત દિવ્ય શ્રીરામ કથાના ચોથા દિવસના કથાના પ્રારંભે સંત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ત્રણ પુસ્તકોનું પૂજય ભાઈશ્રીના વરદ હસ્તે વિમોચન થયું હતું.


આ ત્રણ પુસ્તકોમાં પહેલું ‘પરમાત્માની પ્રતીક્ષા’ જેના મનોરથની સેવા સાંદીપનીના પ્રાચ્ય ઋષિ એવાં સાંદીપની સ્થિત બાબડેશ્ર્વર સંસ્કૃત મહાવિદ્યાલયના વર્તમાન પ્રધાનાચાર્ય બિપીનભાઈ જોશી તથા સુમીત્રાબેન જોશીએ આપી છે. બીજુ પુસ્તક પાઠશાળાનું પંચામૃત જેના મનોરથની સેવા શ્રીમતી દેવીબેન અરજનભાઈ કાનગડ પરિવાર- કચ્છ એ આપી છે અને ત્રીજું પુસ્તક ‘જીવન એક કુરુક્ષેત્ર’ જેના મનોરથની સેવા શ્રીમતી ઉષાબેન રમેશભાઈ જનાણી, મુંબઈએ આપી છે.


Loading...
Advertisement