રામાયણ એ ભગવાન શ્રી રામનું વાગ્મય સ્વરૂપ : પૂ.ભાઇશ્રી

16 February 2021 06:31 PM
Porbandar Dharmik
  • રામાયણ એ  ભગવાન શ્રી રામનું વાગ્મય સ્વરૂપ : પૂ.ભાઇશ્રી

પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યા નિકેતનમાં પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ચાલતીકથા : કથા દરમ્યાન રામ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો : કથાના અંતે શ્રી રામ જન્મની દિવ્ય ઝાંખી પ્રસ્તુત કરાઇ

પોરબંદર તા.16
જેમ ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે તેમ રામાયણ એ ભગવાન શ્રીરામનું વાંગ્મય સ્વરૂપ છે. આપણે તો અન્નને પણ બ્રહ્મની ઉપમા અપાઈ છે. માટે જ આપણે ત્યાં રામરોટી શબ્દ છે. અહીં તો રામકથારૂપી રોટી છે, તેમાં ભરતના રામપ્રેમરૂપી પીયૂષ-અમૃત વગર આવી રોટી શક્ય ન બને અર્થાત્ તૃપ્તિ ન આવે. એ જ રીતે રામકથારૂપી રોટી દ્વારા આધ્યાત્મિક ક્ષુધાને તૃપ્ત કરે છે, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં ત્રીજા દિવસે, સોમવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો 15મો પાટોત્સવ-વર્ષ 2021, તા. 13/02/2021 થી 21/02/2021 દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-19ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ તફક્ષમાફક્ષશ.દિં, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.
પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે ભરતનું જીવન પણ સમુદ્ર જેવું ગંભીર છે. ભીતરથી ગંભીર છે. લક્ષ્મણજીનો રામપ્રેમ સૌને દેખાતો હતો, પરંતુ ભરતજીનો રામપ્રેમ સૌને દેખાતો નહોતો. ભરતજીના ગુપ્તપ્રેમને પ્રગટ કરવા માટે મંથન જરૂર છે, કેમ કે સમુદ્ર અગાધ છે. લક્ષ્મણજીનું વ્યક્તિત્વ આકાશરૂપ છે. જ્યાં ત્યાગ-સમર્પણની ઊંચાઈ છે તો ભરતજીનું વ્યક્તિત્વ ઉદધિ જેવું, ઊંડાણ છે. પ્રેમમાં ઊંડાણ છે. ધીર-ગંભીર છે. ભરતજી સમાજથી જરા અલગ ચાલે છે.
સાંદીપનિ ઝૂમ રૂમ માં ઉપસ્થિતિ
સાંદીપનિ ઝૂમ રૂમમાં આજે વિશેષ રૂપે સંસ્કૃતિ ફાઉન્ડેશનના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું શ્રવણ કર્યું હતું. આજે કથામાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા રામ જન્મોત્સવ ખુબજ હર્ષોલ્લાસ તેમજ ઉમંગ સાથે ઉજવાયો હતો અને એ સાથે જ શ્રીરામ જન્મોત્સવ પ્રસંગે દેશ-વિદેશના ભક્તોએ ઝૂમમાં ઉપસ્થિત રહીને પોતાના ઘરે-ઘરે ઠાકોરજીને શણગાર કર્યા હતા અને રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શ્રીરામ જન્મોત્સવ પ્રસંગે કથાના અંતે શ્રીરામજન્મની દિવ્ય ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement