રામાયણ એ દર્પણ છે, જેમાં સ્વયંના દર્શન કરવાના છે : પૂજ્ય ભાઈશ્રી

16 February 2021 11:55 AM
Porbandar
  • રામાયણ એ દર્પણ છે, જેમાં સ્વયંના દર્શન કરવાના છે : પૂજ્ય ભાઈશ્રી

સાંદીપનિ વિદ્યાનિકેતનાં 15મા પાટોત્સવ નિમિત્તે રામકથાનો દ્વિતીય દિન:ભરતના હૃદયમાં પ્રેમરૂપી અમૃતના સમૃદ્રમંથન માટે-પ્રગટ કરવા ભગવાન રામ વનમાં ગયા હતા : પૂજ્ય ભાઈશ્રી

પોરબંદર, તા.16
શ્રીહરિ મંદિર 15માં પાટોત્સવના પાવન અવસરે સાંદીપનિમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝના શ્રીમુખેથી ચાલી રહેલી શ્રીરામ કથાના આજના બીજા દિવસના પ્રારંભે મુખ્ય યજમાન જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા દ્વારા પોથી પૂજન અને વ્યાસપૂજન સંપન્ન થયું હતું.બીજા મુખ્ય યજમાન ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. પરિવાર ઝૂમ એપના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ કથાના આજના બીજા દિવસનો પૂજ્ય ભાઇશ્રીએ મંગલાચરણ-સંકીર્તન કરીને પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ કથાના પ્રારંભમાં કહ્યું કે, સત્સંગ વગર સેવા કલુષિત થઈ જાય છે. દ્વારકાવાળો અમથો સુદામાને મળવા માટે દોડે નહી. એ સુદામાની યોગ્યતા છે.

આવી શાંતિ ક્યાથી આવે, એ શાંતિ સત્સંગના સાતત્યથી આવે. રામાયણ અને મહાભારત એ ઇતિહાસ માત્ર નથી, પરંતુ આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષાએ આવા ગ્રંથ દર્પણ છે, જેમાં વ્યક્તિએ સ્વયંના દર્શન કરવાના છે. વર્તમાન સમયમાં ધર્મક્ષેત્ર, શિક્ષણક્ષેત્ર, ચિકિત્સાક્ષેત્રે, પત્રકારત્વનું ક્ષેત્ર એક મિશન-સેવાયજ્ઞના રૂપમાં કામ કરે તે ઈચ્છનીય છે.સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો 15મો પાટોત્સવ-વર્ષ 2021, તા. 13/02 થી 21/02 દરમ્યાન યોજાશે. આ વર્ષે કોવિડ-19ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા, સાંદિપની.ટીવી સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30થી આ કાર્યક્રમ પ્રારંભ થશે. સોશ્યલ મીડિયાથી અનેક ભાવિકો જોડાઇ રહ્યા છે.


પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે રામાયણમાં ભરતજીનું વ્યક્તિત્વ પ્રેમનું છે. રામજીનો વનવાસ થયો તે પૂર્વેથી તેઓ રામપ્રેમી હતા, પરંતુ વનવાસ પછી જ લોકોને ભરતના રામપ્રેમની સાચી સમજ મળી. રામજીના વનવાસ સંદર્ભે અનેક લોકોના અભિપ્રાય છે. જેમ કે માતા કૈકેયી માટે રામ વનમાં ગયા, કોઈ કહે રઘુવંશની પરંપરા જાળવવા તેઓ વનમાં ગયા તો કોઈ કહે કે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા વનમાં ગયા, પરંતુ તુલસીદાસજી વિશિષ્ટ વાત કરે છે કે ભરતના હૃદયમાં જે ગુપ્તપ્રેમ હતો કે પ્રેમરૂપી અમૃત હતું. તેનું સમુદ્રમંથન કરવા તેઓ વનમાં ગયા હતા. ભરતનાં હૃદયમાં અપ્રગટ રામપ્રેમ છે, તે રામાયણ દ્વારા પ્રગટ થયો છે. શ્રીહરિ મંદિરમાં શ્રીરામજી દ્વારા ધનુષ-ભંગ પ્રસંગ અને સીતાજી અને રામજીના મિલનની દિવ્ય ઝાંખીના દર્શન યોજાયા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો પણ કથા શ્રવણમાં જોડાયા
શ્રીરામ કથામાં અનેક મહાનુભાવો સાંદીપનિ ઝૂમ રૂમથી ઉપસ્થિત રહીને કથાનું શ્રવણ કરી રહ્યા છે. કથાના પ્રથમ દિવસે તારક મહેતા ઉલ્ટા કા ચશ્માના અભિનેતા દિલીપભાઈ જોશી (જેઠાલાલ) ઉપસ્થિત રહ્યા હતા તો આજે બીજા દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેત્રી દિશાબેન વાંકાણી (દયાબેન) ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અનેક દેશના મહાનુભાવો પ્રતિદિન ઉપસ્થિત રહે છે અને કથાનું શ્રવણ કરી રહ્યા છે.

 


Loading...
Advertisement