પોર્ન ફિલ્મોના શૂટિંગનું કેન્દ્ર બનતું સુરત: મુંબઈથી મોડેલ્સ બોલાવી ચાલતાં ગોરખધંધાનો પર્દાફાશ !

11 February 2021 11:17 AM
Surat Crime
  • પોર્ન ફિલ્મોના શૂટિંગનું કેન્દ્ર બનતું સુરત: મુંબઈથી મોડેલ્સ બોલાવી ચાલતાં ગોરખધંધાનો પર્દાફાશ !

અભિનેત્રી ગહના વશિષ્ઠ સહિત 9ની ધરપકડમાં થયા ચોંકાવનારા ખુલાસા: મુંબઈમાં બંગલાનું ભાડું મોંઘું પડતું હોવાથી સુરતમાં સસ્તા ભાવે બંગલા ભાડે રખાતા: પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુરતમાં સ્થળાંતર થઈ હોવાનો ખુલાસો:માત્ર પોર્ન ફિલ્મો જ પીરસાતી હોય તેવી 15 એપ્લીકેશનો મળી આવી: હજુ અનેક ખુલાસાઓ થશે

સુરત, તા.11
ગુજરાતનું સુરત શહેર પોર્ન ફિલ્મોનું નવું કેન્દ્ર બની ચૂક્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આ ચોંકાવનારો ખુલાસો તનવીર હાશમી નામના આરોપીએ કર્યો છે. તનવીરને સુરતમાંથી જ પકડવામાં આવ્યો છે ત્યારે પોર્ન ફિલ્મ રેકેટમાં આ નવમી ધરપકડ છે.એક અધિકારીના જણાવ્યા મુજબ પોર્ન ફિલ્મોનું શૂટિંગ મોટાભાગે બંગલાઓમાં જથતું હતું. મુંબઈમાં અનેક બંગલાઓ મડ આઈલેન્ડ પર આવેલા છે ત્યારે પાછલા સપ્તાહે ક્રાઈમ બ્રાન્ચે ત્યાં દરોડો પાડીને પોર્ન ફિલ્મનું લાઈવ શૂટિંગ કરી રહેલા પાંચ લોકોને પકડી પાડ્યા હતા. મડ આઈલેન્ડ જેવી અમુક જગ્યાને છોડીને બાકી આખા શહેરમાં ફ્લેટ વધુ આવેલા છે. મડ આઈલેન્ડના બંગલાનું ભાડું પણ વધુ હોય છે. પોર્ન ફિલ્મોના રેકેટ સાથે જોડાયેલા અનેક લોકોને આ ભાડું પોસાતું હોતું નથી એટલા માટે તેમણે સુરત શહેર અને તેની બહારના અમુક બંગલાઓમાં મુંબઈની તુલનાએ સસ્તા ભાડા પર બંગલા લઈ લીધા હતા અને પછી ત્યાં મુંબઈથી મોડેલ્સને બોલાવીને નિયમિત શૂટિંગ શરૂ કરી દીધું હતું. બુધવારે પકડાયેલો તનવીર હાશમી પણ આ રેકેટમાં પૂરેપૂરો સંડાવાયેલો હોવાનું ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું.


સીનિયર ઈન્સપેક્ટર કેદારી પવાર, લક્ષ્મીકાંત સાલુંખે અને ધીરજ કોલીની તપાસમાં એવી વાત સામે આવી છે કે તનવીર ‘નુઈફ્લિક્સ ઓટીટી’ માટે એક ફિલ્મ બનાવતો હતો જેના અત્યારે સાડા ચાર લાખ ગ્રાહકો છે. ‘નુઈફ્લિક્સ’નો માલિક હાલ ફરાર થઈ ગયો છે. આ કેસમાં પકડાયેલી મોડેલ-અભિનેત્રી ગહના વશિષ્ઠ પણ ફરાર આરોપી માટે ફિલ્મો બનાવતી હતી.ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે ગહનાની પોતાની એક ઓટીટી એપ્લીકેશન હતું જેના 67 હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ હતા. આ કેસમાં જે પહેલી ધરપકડ યાસ્મીન ખાન નામની મહિલાની થઈ છે તેની પણ ‘હોટહિટ મૂવીઝ’ નામની એપ્લીકેશન હતી. અત્યાર સુધીની તપાસમાં અંદાજે 15 એપ્લીકેશન સામે આવી છે જેમાં માત્ર પોર્ન ફિલ્મો જ બતાવવામાં આવતી હતી. આવી જ એક એપ માટે ઝારખંડની યુવતી પાસે જબરદસ્તી પોર્ન ફિલ્મ કરાવવામાં આવી હતી જેની ફરિયાદ તેણે માલવણી પોલીસમાં કરી છે. તેનો આરોપ છે કે તેને પોર્ન ફિલ્મ નહીં કરે તો તેણે દસ લાખ રૂપિયા ચૂકવવા પડશે.

 ઝારખંડની યુવતીને ઓનલાઈન 30 લાખનું ચૂકવણું કરાયું
તપાસમાં ચોંકાવનારી એ વાત પણ સામે આવી છે કે આ ગોરખધંધામાં એક રૂપિયાની પણ રોકડ વસૂલાત થતી નહોતી અને બધો વહીવટ ઓનલાઈન થતો હતો. ઝારખંડની જે યુવતીએ આ કેસમાં ફરિયાદ નોંધાવી છે તેણે પણ જણાવ્યું કે તેના એક પરિચિતના ખાતામાં 30 લાખ રૂપિયા ટ્રાન્સફર અપાયા હતા. તનવીર હાશમીએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે જે નુઈફ્લિક્સ ઓટીટીના માલિક માટે તે પોર્ન ફિલ્મ બનાવતો હતો તે તેને 50 ટકા રકમ એડવાન્સમાં તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. બાકીનું પેમેન્ટ પણ ફિલ્મના વીડિયો ટ્રાન્સફર થતાંની સાથે જ ઓનલાઈન એકાઉન્ટમાં આવી જતું હતું.

એક પોર્ન ફિલ્મ બનાવવા પાછળ બે લાખનો ખર્ચ, એક દિ’માં શૂટિંગ પૂરું !
ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે તનવીર, ગહના અને યાસ્મીનની પૂછપરછથી એ નિષ્કર્ષ નીકળ્યો છે કે પોર્ન ફિલ્મ બનાવવા પાછળ અંદાજે બે લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. ફિલ્મનું શૂટિંગ એક દિવસમાં પૂર્ણ થઈ જતું પરંતુ તેના એડિટિંગ સહિતના કામ પાછળ ત્રણ-ચાર દિવસ લાગી જતા હતા. આ પછી ગહના અને તનવીર અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ ઉપર તેને બમણા ભાવે વેચી દેતા હતા. જેને આ ફિલ્મો વેચવામાં આવતી હતી તેને ઓટીટી સબસ્ક્રીપ્શન થકી મોટી કમાણી થતી હતી એટલા માટે ગહના અને યાસ્મીને પોતપોતાની ઓટીટી એપ્સ પણ લોન્ચ કરી દીધી હતી.


Related News

Loading...
Advertisement