સિનેમાઘરો અને સ્વિમિંગ પુલ વધુ ક્ષમતા સાથે ખુલશે, ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા જાહેર

27 January 2021 08:32 PM
India
  • સિનેમાઘરો અને સ્વિમિંગ પુલ વધુ ક્ષમતા સાથે ખુલશે, ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા જાહેર

નવી ગાઈડલાઈન 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે

નવી દિલ્હીઃ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિવિધ પ્રવૃત્તિઓ પુન:સ્થાપિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમના કહેવા મુજબ, હવે સિનેમાઘરો વધુ ક્ષમતા સાથે ખુલી શકશે. અગાઉ થિયેટરો ફક્ત 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી અપાઈ હતી. આ ઉપરાંત સ્વિમિંગ પૂલને બધા માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉની ગાઈડલાઈન મુજબ ફક્ત ખેલાડીઓ માટે જ સ્વિમિંગ પુલ ખુલ્યા હતા.

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દેખરેખ, નિયંત્રણ અને સાવધાની માટે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવા સુચના આપી છે. આ માર્ગદર્શિકા 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. ઉપરાંત, કન્ટેનમેન્ટ ઝોનની બહારની તમામ પ્રવૃત્તિઓને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મંજૂરી આપવામાં આવશે. રાજ્યોની એસઓપી હેઠળ સામાજિક, ધાર્મિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે.

રાજ્યની અંદર અને આંતરરાજ્ય મુસાફરી અથવા માલની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ માટે કોઈ અલગ પરવાનગીની જરૂર રહેશે નહીં. માર્ગદર્શિકામાં આરોગ્ય સેતુ એપ્લિકેશનના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે જે પ્રવૃત્તિઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, તે માટે અલગથી સુધારેલ એસઓપી જારી કરવામાં આવશે. સરકારે એસઓપી આપવાની તારીખ હજુ સુધી આપી નથી.

◆ નવી ગાઈડલાઈનમાં મહત્વના મુદ્દા

★ અત્યાર સુધી ટ્રેન, વિમાન મુસાફરી, મેટ્રો ટ્રેન, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ, હોટલ, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, પાર્ક્સ, યોગ વર્ગો અને જીમ માટે સમય સમય પર એસઓપી જારી કરવામાં આવી છે. તેનું કડક પાલન કરવું પડશે.

★ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી અંગે ગૃહ મંત્રાલયની સલાહ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય નિર્ણય લેશે. આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે. આ માટે ગૃહ મંત્રાલય પાસેથી પ્રથમ સલાહ લેવી પડશે.

★ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતના તમામ જરૂરી નિયમોનું પાલન કરવાનું નક્કી કરશે.

★ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી કન્ટેનમેન્ટ ઝોન જરૂરીયાત મુજબ નક્કી કરી શકશે, પરંતુ આ માટે આરોગ્ય મંત્રાલયની સૂચનાનું ધ્યાન રાખવું પડશે.

★ કન્ટેનમેન્ટ ઝોનમાં તમામ પગલાં કડક રીતે લા ગુ કરવા માટે જિલ્લા, પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ જવાબદાર રહેશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો આ અંગે સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરશે.

★ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

★ કન્ટેનમેન્ટ ઝોનની બહાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની એસઓપી અનુસાર સામાજિક, રેલીઝ, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક મેળાવડાને મંજૂરી આપવામાં આવશે.

★ હવે તમામ પ્રકારના એક્ઝિબિશન હોલ ખોલવામાં આવશે. આ માટે વાણિજ્ય વિભાગ એસઓપી જારી કરશે.


Related News

Loading...
Advertisement