રાજકોટ, તા. ર7
રાજયમાં કોરોના સંક્રમણ ઘટતું જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મોટી રાહત થઇ છે. ગઇકાલે ર6 જાન્યુઆરીએ નવા માત્ર 81 કેસ નોંધાયા હતા. તો આ સામે 143 દર્દી કોરોના મુકત થતા રજા આપવામાં આવી છે.
ચાલુ મહિનામાં સંક્રમણમાંથી ઘટાડો, લોકોની જાગૃતિ અને તંત્રના પ્રયાસો વચ્ચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પણ જાહેર થઇ છે. હવે સરકાર કફર્યુમાં વધુ છુટછાટ સહિતની તૈયારી કરી રહી છે ત્યારે સામાન્ય ચૂંટણીઓ પૂર્વે માહોલ સામાન્ય થઇ જાય તેવું લાગી રહ્યું છે.
હાલ ગઇકાલે જે 81 કેસ નોંધાયા તેમાં પણ અડધાથી વધુ તો રાજકોટ શહેરના છે. શહેરમાં ગઇકાલે 43 અને જિલ્લામાં પાંચ કેસ નોંધાયા હતા. સામે શહેરમાં પ7 અને જિલ્લામાં રપ દર્દીને રજા અપાઇ હતી. આમ કુલ સ્વસ્થ થયેલ 143 પૈકી અડધાથી વધુ રાજકોટ જિલ્લાના હતા.
રાજકોટ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના અન્ય જિલ્લાઓમાં કોરોના કેસ એક આંકડામાં જ છે. જેમાં બોટાદ અને પોરબંદર તો 0-0 કેસ સામે ચાર-ચાર દર્દીને રજા આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં જુનાગઢ, કચ્છ અને રાજકોટ ગ્રામ્યમાં પાંચ-પાંચ, ભાવનગરમાં ચાર, અમરેલીમાં 3, ગીર સોમનાથ, મોરબીમાં પણ 3-3, દેવભૂમિ દ્વારકા જિલ્લા, જામનગર શહેર, ગ્રામ્ય જુનાગઢ શહેરમાં ર-2 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં માત્ર એક નવો એક નોંધાયો હતો. તો ભાવનગર જિલ્લામાં પાંચ નવા કેસ નોંધાયા હતા.
રાજયમાં ગઇકાલે માત્ર અમદાવાદ અને સુરતમાં 1-1 એમ બે મૃત્યુ સતાવાર નોંધાયા હતા. ર.પ1 લાખ લોકો સ્વસ્થ થયા છે અને કુલ 4041ના મોત થયા છે. હાલ 4પ દર્દી વેન્ટીલેટર પર છે. રાજય સરકારના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોનાના કેસોમાં ઉતરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે.