રાજકોટ, તા.27
શહેરના વોર્ડ નં.18ના છેવાડે આવેલા ન્યુ લાલબહાદુર પમ્પીંગ સ્ટેશનનો ટાંકો તથા પાણીની લાઇન લીક થઇ ગયાની રજુઆત ધ્યાન દોરવા સાથે સામાજીક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. બાબરીયા કોલોનીમાં રહેતા સવજીભાઇ સી. ફળદુએ કમિશ્નરને પત્ર લખીને જણાવ્યું છે કે વોર્ડ નં.18માં પાણી વિતરણ માટે ન્યુ લાલબહાદુર પમ્પીંગ સ્ટેશનનો પાણીનો ટાંકો આવેલો છે. તેની નીચેના ભાગમાં તથા ઉપર પાણી ચડાવવા માટે, પાણીની સપ્લાય માટે પાઇપલાઇન રહેલી છે. આ લાઇન લીકેજ હોવાથી અંદર અતિશય પાણી વહે છે. ટાંકો અને લાઇન બંને ઉપર જોખમ રહેલુ છે અને દુર્ઘટના થઇ શકે છે. આ પાઇપલાઇન તાત્કાલીક રીપેર કરવાની જરૂર છે. કમિશ્નર અથવા અન્ય અધિકારીઓ પમ્પીંગ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લે તો સાચી સ્થિતિ માલુમ પડે તેમ છે. આથી તત્કાલ લાઇન અને ટાંકો રીપેર કરવાની જરૂરીયાત દર્શાવવામાં આવી છે.