રાજકોટ તા.27
શહેરના કાલાવડ રોડ પર હરીપર પાળ ગામ પાસે આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે શૈક્ષણિક ફી તેમજ એપ્લીકેશન બિટવીનસના મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓએ આજે દેખાવો-સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં આ પ્રશ્ર્ને પગલા નહી લેવાય તો પોદાર સ્કૂલ સામે પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી પણ વાલીઓ દ્વારા આપવામાં આવી છે. 125 જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ આ રજુઆતમાં જોડાયા હતાં.
આ અંગે અજીતભાઇ વાંક નામના વાલીએ જણાવેલ હતું કે કોરોના કાળના પગલે ગુજરાત સરકાર દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણીક ફીમાં 25 ટકાની જાહેરાત આપવામાં આવી છે. તેમજ ઇત્તર પ્રવૃતિની ફી નહી વસુલવા તાકીદ કરાયેલ છે. પરંતુ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને કોઇ નિયમો લાગુ પડતા ન હોય તેમ હજુે ફીમાં રાહત અપાયેલ નથી ઉલ્ટાનું શૈક્ષણીક ફી સાથે ઇત્તરપ્રવૃતિની ફી પણ સંચાલકો વસુલી રહ્યા છે. જે યોગ્ય નથી.
આ ઉપરાંત ત્રણ-ત્રણ ફીના હપ્તા ભરવા છતાં પૂરી ફી ભરવાની માંગ શાળા સંચાલકો કરી અને વિદ્યાર્થીઓ માટે હોમવર્ક અને અભ્યાસ માટેની એપ્લીકેશન બિટવીનસ પણ સંચાલકોએ બંધ કરી દીધી છે. આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ સંસ્થા પર હોમવર્ક સબમીટ કરાવવા જતા સંચાલકોએ રજુઆત સાંભળવાનો પણ નનૈયો ભણી દીધો હતો. તેમજ એક કર્મચારી દ્વારા વાલી સાથે ગેરવર્તણુંક કરવામાં આવી હોવાની પણ ફરિયાદ ઉઠી છે.
વધુમાં વાલીઓએ જણાવેલ હતું કે પોદાર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને નિયત કરેલ સ્થળ પરથી પોદારના મોંઘા ભાવના પાઠય પુસ્તકો ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ પ્રશ્ન હલ નહી કરાય તો શાળા સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.