ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટનો ઉલાળ્યો કરનાર શાળાઓ-ટયુશન કલાસીસોને સીલ મારો

27 January 2021 05:43 PM
Gujarat
  • ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટનો ઉલાળ્યો કરનાર
શાળાઓ-ટયુશન કલાસીસોને સીલ મારો

શૈક્ષણિક કાર્ય દરમિયાન કોઇ છાત્ર સંક્રમીત બને તો તેનો ખર્ચ શાળા-ટયુશન સંચાલકો ભોગવે : નિયમ બનાવવા સરકાર સમક્ષ વાલી મંડળની માંગણી

ગાંધીનગર તા.27
આગામી 1 ફેબ્રુઆરીથી શરૂ થતા ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્યની સાથે સાથે ખાનગી ટ્યૂશન ક્લાસીસ માં ગાઈડલાઈન નું ચુસ્તપાલન કરાવવાની સાથે સાથે બીયુ પરમિશન, ફાયર પરમિશન અને એન.ઓ.સી વગરની ધમધમતી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસને સરકાર પરમિશન ન આપે તેવી પ્રબળ માંગણી વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.


રાજ્યમાં ધોરણ 9થી 11 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્ણયને આવકારતા ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે સાંજ સમાચાર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આ નિર્ણય આવકારદાયક છે. પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ બીયુ પરમિશન ફાયર પરમિશન અને એનઓસી વગર ચાલતી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસ ને સરકારે પરમિશન આપવી જોઈએ નહીં તેવી અપીલ કરી હતી. કારણ કે ખાનગી ટ્યૂશન ક્લાસીસ મોટાભાગે રેસીડેન્સી અથવા કોમર્શિયલ એરિયામાં ધમધમતા હોય છે .જ્યાં ગાઈડલાઈન નું પાલન અશક્ય હોવાની દહેશત વ્યક્ત કરી હતી. અને અપીલ કરી હતી કે ગાઈડ લાઈન નો ભંગ કરનાર શાળા કે ટ્યુશન ક્લાસીસ ને સીલ મારી ને સંચાલકો સામે કડક કાર્યવાહી સરકાર કરે અને તે માટે પણ સરકાર દ્વારા અલગ નિયમો બનાવવામાં આવે તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત સરકારને સૂચન કર્યું હતું કે શૈક્ષણિક કાર્ય દરમિયાન શાળા કે ટ્યુશન ક્લાસીસ માં કોઈ વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો ખર્ચ જે તે શાળા અને ટ્યુશન ક્લાસીસ સંચાલક ભોગવે અને આ માટે રાજ્ય સરકાર નિયમો બહાર પાડે તેવી માગણી કરી હતી.


તો બીજી તરફ વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિના પ્રમુખ ભાવિન વ્યાસે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આજે જે નિર્ણય કર્યો છે તેની ખૂબ જ જરૂરિયાત હતી કારણ કે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં પરોક્ષ શિક્ષણથી વંચિત રહેતા વિદ્યાર્થીઓ પણ નેટવર્ક અને અન્ય ટેકનિકલ ક્ષતિઓ ના કારણે પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નથી . પરિણામે આજે રાજ્ય સરકારનો આ નિર્ણય આવકારદાયક હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.આ તબક્કે તેમણે સરકારને અનુરોધ કર્યો હતો કે શાળા અને ટ્યુશન ક્લાસીસમાં સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનેટાઈઝેશન જેવા નિયમોનું ફરજિયાત પણે ચુસ્ત પાલન કરાવવામાં આવે. ઉપરાંત કોરોના ની વિપરીત પરિસ્થિતિ દરમિયાન જે વિદ્યાર્થીઓના માતા-પિતા ની નોકરી જતી રહી છે. તેવા કિસ્સાઓમાં શાળા સંચાલકો અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો રહેમરાહે વિદ્યાર્થીના ફીની માગણી કરે નહીં તે માટે સરકાર કોઈ નિર્ણય કરે અથવા નિયમ બનાવે તેવી વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ તરફથી માંગ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement