રાજકોટ તા.27
શહેરના કાલાવડ રોડ પર જડુસ હોટેલ પાસે નિર્માણ પામી રહેલા આવાસ યોજનાના કવાર્ટરની બાંધકામ સાઈટ પર ચોથા માળેથી નીચે પટકાતા શ્રમિક પરિવારની બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીએ તુરંત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. વિસ્તૃત વિગત મુજબ તા.25ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ ભીમનગર ચોક પાસે બની રહેલા આવાસ યોજનાના કવાર્ટરની બાંધકામ સાઈટ પર શ્રમિક પરિવારની બાળકી ગીતા થાવલાભાઈ બધેલ (ઉ.વ.7) રમતા-રમતા ચોથા માળેથી નીચે પટકાઈ હતી તેને તુરંત સારવારમાં ખસેડાઈ હતી. બાળકીના પિતા થાવલાભાઈ બાંધકામ સાઈટ પર મજુરી કામ કરે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અહી મજુરી કરી ગુજરાન ચલાવે છે. તાલુકા પોલીસે બનાવના પગલે પરિવારના નિવેદનો નોંધ્યા હતા. હાલ બાળકી સિવિલ હોસ્પીટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે.