જૈન બાદ રઘુવંશી સમાજે પણ ભાજપ પાસે 7 થી 10 ટીકીટ માંગી : અનેક વોર્ડમાં દાવેદારી

27 January 2021 05:37 PM
Rajkot
  • જૈન બાદ રઘુવંશી સમાજે પણ ભાજપ પાસે  7 થી 10 ટીકીટ માંગી : અનેક વોર્ડમાં દાવેદારી

રાજકોટ શહેર ભાજપમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી માટે જ્ઞાતિ સમુદાય મારફત સીધી માંગણી થઇ : એક સમયે રાજકોટ મહાનગરપાલિકામાં રઘુવંશી સમાજના 9-9 પ્રતિનિધિ હતા હવે જે કોઇ છે તે પણ પક્ષના કારણે સમાજનું પ્રતિનિધિત્વ ભાગ્યે જ થાય છે : વોર્ડ નં.2, 3, 7, 9, 10, 14, 1પ અને 16માં રઘુવંશી સમાજના અનેક લોકોએ ભાજપના નિરીક્ષકો સમક્ષ દાવેદારી કરી : છેક મોવડી મંડળ સુધી મુદ્દો લઇ જવાય તેવી શકયતા

રાજકોટ તા.27
રાજકોટ મહાનગરપાલિકા માટેની ગત સોમવારે ભાજપની લેવાયેલી સેન્સ બાદ હવે એક તરફ જયારે પક્ષના નિરીક્ષકો મોવડી મંડળને શું રિપોર્ટ આપે છે તેના પર સૌની નજર છે અને તા.1 ફેબ્રુઆરીથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ત્રણ દિવસ માટે મળનાર છે અને તા.4થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ શકે છે તે વચ્ચે શહેર ભાજપમાં પ્રથમ વખત જ્ઞાતિવાદનું જોર દરેક જ્ઞાતિ એડીચોટીથી કરી રહ્યા હોવાના સંકેત મળે છે. રાજકોટ શહેરમાં આ ચૂંટણીમાં જૈન સમાજ દ્વારા તેના ઓછામાં ઓછ 12 થી 13 અગ્રણીઓએ ટીકીટ માંગી છે અને છેક મુખ્યમંત્રી સુધી રજુઆત થઇ છે.

તો બીજી તરફ હવે લોહાણા સમાજમાંથી પણ ઓછામાં ઓછા 15 થી 20 અગ્રણીઓ ભાજપની ટીકીટના દાવેદાર હોવાના સંકેત મળ્યા છે અને રઘુવંશી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આ અંગે પાર્લામેન્ટ્રી બોર્ડ પૂર્વે જ મુખ્યમંત્રી સુધી રજુઆત કરવાની તૈયારી છે અને અત્યાર સુધી રઘુવંશી સમાજે ભાજપને બધુ આપ્યું છે અને ભાજપે જેટલી ટીકીટ આપી છે તેમનાથી સંતોષ માન્યો છે તેવુ જણાવીને પ્રથમ વખત હવે આ સમાજને રાજકોટના વિવિધ વોર્ડમાં વધુ ટીકીટ ફાળવવાની માંગણી થઇ છે. રઘુવંશી સમાજના સુત્રોએ જણાવ્યું કે એક સમયે રાજકોટ મહાનગરપાલિકામાં 9-9 જેટલા રઘુવંશી સમાજના પ્રતિનિધિઓ બેસતા હતા જે હવે ફકત પ્રતિક રૂપે 2 થી 3 થઇ ગયા છે.

છેલ્લા બોર્ડમાં ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણી વોર્ડ નં.2ના મનીષ રાડીયા અને વોર્ડ નં.3માં ચૂંટાયેલા અતુલ રાજાણી આ ત્રણ જ રઘુવંશી સમાજના પ્રતિનિધિ હતા અને તેઓને રઘુવંશી સમાજ કરતા પક્ષીય ધોરણે વધુ પસંદ કરવામાં આવ્યા હતા. વ્યાપાર સાથે જોડાયેલા આ સમુદાય વાસ્તવમાં ભાજપ જયારે બનીયા પાર્ટી તરીકે ઓળખાતો હતો તે સમયે પણ ભાજપની સાથે હતો અને આજે પણ ભાજપની સાથે છે. વિધાનસભામાં પણ લોહાણા સમાજને મર્યાદીત પ્રતિનિધિત્વ મળ્યું છે. તેથી હવે રઘુવંશી સમાજે આ ચૂંટણીમાં ભાજપને શકય તેટલી વધુમાં વધુ બેઠકો ફાળવવાની માંગણી કરી છે અને કયાં વોર્ડમાં રઘુવંશી સમાજના પ્રતિનિધિઓ ચૂંટાઇ શકે છે

તે પણ યાદી સોંપી દીધી છે. આ સમાજે એવી રજુઆત કરી હતી કે જૈન, રઘુવંશી સમાજ અને બ્રહ્મ સમાજએ કદી જ્ઞાતિના કટ્ટરવાદમાં માનતો નથી અને તેને કારણે તેઓને મર્યાદીત ટીકીટ મળે છે અથવા તો હવે જે મહિલા અનામત છે તેમાં પ્રતિક રૂપે ટીકીટ ફાળવીને સમાજને સાચવી લેવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ સમાજના અનેક અગ્રણીઓ શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગત વોર્ડ પૂર્વે ધર્મેન્દ્ર મિરાણી જેવા આર્કિટેક ભાજપ વતી બે-ત્રણ ચૂંટાયા અને અનેક પ્રોજેકટોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમાજમાં આ પ્રકારના અનેક શિક્ષીત વર્ગ પણ છે કે જે રાજકોટના વિકાસને નવી ઉંચાઇએ લઇ જવા માટે મુખ્યમંત્રીના પ્રયત્નમાં પોતાની ભૂમિકા ભજવી શકે છે.

એક તરફ અનામત બેઠકો અને બીજી તરફ મહિલા અનામતના કારણે 44 જેટલી બેઠકો હવે હાંસીયામાં ધકેલાઇ ગઇ છે તેથી 28 બેઠકોમાં પણ અન્ય જ્ઞાતિના ફેકટરોને મહત્વ અપાય છે. તે સમયે રઘુવંશી સમાજના દાવા મુજબ વોર્ડ નં.2, 3, 7, 9, 10, 14, 15 અને 16 આ વોર્ડમાં રઘુવંશી સમાજનું પ્રતિનિધિત્વ છે જે ભાજપને જીત માટે મહત્વનું પુરવાર થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં નિરીક્ષકો સમક્ષ વોર્ડ નં.7, 10 સહિતના વોર્ડમાં રઘુવંશી સમાજના અગ્રણીઓએ ટીકીટ માટે માંગણી કરી છે. જેમાં વોર્ડ નં.7માં ઓછામાં ઓછા 6 થી 7 રઘુવંશી સમાજના અગ્રણીઓ છે.

જેમાં પ્રતિબેન પાંઉ, કિરીટભાઇ પાંધી (ગરબી વાળા), ભાજપના કોષાઘ્યક્ષ અનિલભાઇ પારેખ અને તેમના પત્ની, જતીનભાઇ દત્તા અને તેમના પત્નીએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી કરી છે. આ ઉપરાંત વોર્ડ નં.10માં ધર્મેન્દ્રભાઇ વસંત, નિલેશભાઇ ક્કકડ, પરેશભાઇ તન્ના, જયભારતભાઇ ધામેચા પણ ચૂંટણી લડવા આતુર છે. વોર્ડ નં.3માં ભાજપના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઇ કોટક અને દિનેશ કારીયા બંનેએ પોતાની દાવેદારી કરી છે. જયારે વોર્ડ નં.2માં દિલીપભાઇ ચતવાણી અને વર્તમાન કોર્પોરેટર મનીષભાઇ રાડીયાએ પણ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી કરી છે.

જયારે વોર્ડ નં.14માં મનુભાઇ જોબનપુત્રા, વોર્ડ નં.13માં કેશરી દૈનિકવાડા પરેશભાઇ દાવડા, વોર્ડ નં.15માં સેજપાલભાઇની દાવેદારી છે. જયારે વોર્ડ નં.9માં કમલેશભાઇ મીરાણી ભાજપ તરફથી ટીકીટ મેળવી જાય તેવા સંકેત છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ મોવડી મંડળ કેટલો સંતોષ આપે છે તેના પર સૌની નજર છે.

શહેર ભાજપના બે ટોચના અગ્રણી ધનસુખભાઇ ભંડેરી તથા નીતિનભાઇ ભારદ્વાજ સમક્ષ રઘુવંશી સમાજે ધારદાર રજુઆત કરી
જરૂર પડયે મુખ્યમંત્રી સુધી મામલો લઇ જવાની તૈયારી
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે રઘુવંશી સમાજ દ્વારા હવે એડીચોટીનું જોર લગાવવાની તૈયારી છે અને ગઇકાલે રઘુવંશી સમાજના અગ્રણીઓ હસુભાઇ ભગદેવ, કાશ્મીરાબેન નથવાણી, સુરેશભાઇ વગેરે સહિત અંદાજે 20 અગ્રણીઓ શહેર ભાજપના બે ટોચના નેતાઓ ધનસુખભાઇ ભંડેરી તથા નીતિનભાઇ ભારદ્વાજ પાસે સમાજની રજુઆત માટે ગયા હતા અને જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં રઘુવંશી સમાજને ઓછામાં ઓછી 7 ટીકીટ મળે તે ભાજપે જોવુ જોઇએ. રઘુવંશી સમાજ સતત ભાજપની સાથે રહ્યો છે અને તેમને દરેક ચૂંટણીમાં મદદ કરી છે. જો ભાજપ હવે રઘુવંશી સમાજને પુરતુ પ્રતિનિધિત્વ આપે તો તમામ બેઠકો ભારે બહુમતી સાથે અને સમગ્ર પેનલને ચૂંટાવી દેવા માટે સમાજ ખાત્રી આપે છે. આમ પ્રથમ વખત રઘુવંશી સમાજે આ રીતે પોતાના સમાજની ટીકીટ માટે જોર લગાવતાં હવે ભાજપના મોવડી મંડળ માટે પણ મુશ્કેલી સ્થિતિના સંકેત છે.

રઘુવંશી સમાજમાંથી દાવેદારો
- પ્રીતિબેન પાંઉ, કિરીટભાઇ પાંધી તથા તેમના પત્નિ, અનિલભાઇ પારેખ તથા તેમના પત્ની, જતિનભાઇ દત્તા તથા તેમના પત્ની આ તમામે વોર્ડ નં.7માં દાવેદારી કરી છે
- ધર્મેન્દ્રભાઇ વસંત, નિલેશ કક્કડ, પરેશ તન્ના, જયભારત ધામેચા આ તમામે વોર્ડ નં.10માં દાવેદારી કરી છે
- પ્રતાપભાઇ કોટક, દિનેશ કારીયા આ બંનેએ વોર્ડ નં.3માં દાવેદારી કરી છે
- દિલીપભાઇ ચતવાણી અને વર્તમાન કોર્પોરેટર મનીષ રાડીયાએ પણ વોર્ડ નં.2માં ચૂંટણી લડવા ઇચ્છુક છે
- મનસુખભાઇ જોબનપુત્રા વોર્ડ નં.14, પરેશભાઇ દાવડાએ વોર્ડ નં.13 તથા વોર્ડ નં.1પમાં સેજપાલભાઇએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.


Related News

Loading...
Advertisement