નવીદિલ્હી, તા.27
બીસીસીઆઈ પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગૂલીની તબિયત ફરી બગડી છે. તેમને કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં જ ગાંગૂલીને હાર્ટએટેક આવ્યો હતો જેના કારણે તેમની એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી.
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલીને કોલકત્તાની વુડલેન્ડસ હોસ્પિટલમાં એન્જિનિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમની તબિયત ફરી એક વખત બગડતાં વુડલેન્ડસ હોસ્પિટલના તબીબ રૂપાલી બસુએ કહ્યું કે દાદા (સૌરવ ગાંગૂી)ને ધમનીઓમાં અડચણ ઉભી થતાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીએ સૌરવ ગાંગૂલીને વુડલેન્ડસ હોસ્પિટલમાંથી રજા મળી હતી. 2 જાન્યુઆરીએ સૌરવ ગાંગૂલીની તબિયત અચાનક બગડી હતી ત્યારબાદ તેમને કોલકત્તાની વુડલેન્ડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
2 જાન્યુઆરીએ પોતાના ઘરના જીમમાં કસરત કરવા દરમિયાન ગાંગૂલીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. ત્યારપછી પરિવારજનોએ તેમને તુરંત વુડલેન્ડસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 48 વર્ષીય ગાંગૂલીની એન્જિયોપ્લાસ્ટિક કરાઈ હતી. ગાંગૂલીની એન્જિયોપ્લાસ્ટિ કરાયા બાદ હાર્ટની નસોમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યું હતું.
દરમિયાન આજે ફરી તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતાં પરિવારજનોએ તેમને એપોલો હોસ્પિટલે ખસેડ્યા છે અને ત્યાં તેમની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે ગાંગૂલીની તબિયત કેવી છે તે અંગે તબીબો દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. હજુ થોડા દિવસ પહેલાં ગાંગૂલીના ભાઈની પણ તબિયત બગડતાં તેમને પણ વુડલેન્ડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.