નવીદિલ્હી, તા.27
સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના એ ચુકાદા ઉપર રોક લગાવી દીધી છે જેમાં એવું કહેવાયું હતું કે ‘ચામડીથી ચામડીનો સંપર્ક’ ન થાય તો તેને યૌન ઉત્પીડન ગણવામાં આવવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે કેસના આરોપીઓને છોડી મુકવાના આદેશ ઉપર પણ રોક લગાવી દીધી છે.
મુંબઈ હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે કહ્યું હતું કે ‘ચામડીથી ચામડીના સંપર્ક’ વગર એક સગીરના સ્તનનો સ્પર્શ કરવો યૌન ઉત્પીડનના રૂપમાં પરિભાષિત કરી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેના વડપણવાળી એક પીઠે મામલાના આરોપીઓને નોટિસ ફટકારી છે અને તેમને બે સપ્તાહની અંદર આ મામલે જવાબ આપવા આદેશ આપ્યો છે.
મુંબઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈ સગીરના કપડાં ઉતાર્યા વગર તેના સ્તનને અડવામાં આવે તો તેને યૌન ઉત્પીડન કહી ન શકાય. મુંબઈ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય પોક્સો કાયદા હેઠળ યૌન હુમલાના રૂપમાં પરિભાષિત કરી શકાતું નથી. મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠના ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ 19 જાન્યુઆરીએ આપેલા એક ચુકાદામાં કહ્યું હતું કે યૌન હુમલાનું કૃત્ય ગણાવવા માટે ચામડીથી ચામડીનો સંપર્ક થવો જરૂરી છે.
તેમણે ચુકાદામાં કહ્યું હતું કે માત્ર સ્પર્શ કરવાને યૌન હુમલો ન ગણી શકાય. ન્યાયમૂર્તિ ગનેડીવાલાએ એક સેશન્સ કોર્ટના ચુકાદામાં સંશોધન કર્યું જેણે 12 વર્ષીય સગીરાનું યૌન ઉત્પીડન કરવા માટે 39 વર્ષીય વ્યક્તિને ત્રણ વર્ષની જેલસજા ફટકારી હતી.
સગીર પીડિતાની અદાલતમાં સાક્ષી અનુસાર ડિસેમ્બર-2016માં આરોપી સતીશ નાગપુરમાં સગીરાને ભોજનનો કોઈ ખાવાની વસ્તુ આપવાની લાલચે ઘેર લઈ ગયો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ નોંધ્યું હતું કે ઘરે લઈ જવા પર સતીક્ષે તેના વક્ષને પક્ડયા અને તેને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરી હતી. આ પછી હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપીએ સગીરાને નિર્વસ્ત્ર કર્યા વગર તેની છાતીને અડવાની કોશિશ કરી હતી એટલા માટે આ અપરાધને યૌન હુમલો કહી ન શકાય અને તે ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ મહિલાના શીલને ભંગ કરવાનો અપરાધ છે. કલમ-3554 હેઠળ ઓછામાં ઓછી એક વર્ષની કેદ છે જ્યારે પોક્સો કાયદા હેઠળ યૌન હુમલાની ઓછામાં ઓછી સજા ત્રણ વર્ષની જેલ છે.