બર્લિન તા.27
આપણે ત્યાં ઉક્તિ છે પંગુ લંઘયતે ગિરિમ. આ ઉક્તિ સાચી પડવા જઈ રહી છે. લકવાગ્રસ્ત દર્દીઓ માટે આશાની એક નવી કિરણ ઉઠી છે. જર્મનીના સંશોધકોએ દાવો કર્યો છે કે લકવાગ્રસ્ત દર્દીઓ દોડવા લાગશે. આ સંશોધકોએ એક એવી જીન થેરાપી શોધી હોવાનો દાવો કર્યો છે કે જે માત્ર બે થી ત્રણ સપ્તાહમાં કરોડ રજજુની નિર્જીવ નસોમાં જીવ ભરી દેશે.
રુર યુનિવર્સિટી બોશમની ટેકનીક એક ડિઝાઈનર પ્રોટીન પર આધારીત છે. ઉંદરો પર સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ તેમના ‘મોટર સેન્સરી કોર્ટેકસ’માં હાજર કોશિકાઓને ‘હાઈપર ઈન્ટરલ્યુકીન-6’ પ્રોટીન પેદા કરવા માટે પ્રેરીત કર્યા હતા. આ બાબતે ઉંદરોને આનુવંશિક રીતે સંવર્ધિત વાઈરસનું ઈન્જેકશન લગાવવામાં આવ્યું હતું. આ વાઈરસ કોશિકાઓને પ્રોટીનના ઉત્પાદનને પ્રોત્સાહન આપનારી પ્રક્રિયા સાથે મેળાપ કરાવતો હતો.
મુખ્ય સંશોધક દાયત્મર ફિશરે જણાવ્યું હતું કે ‘હાઈપર-ઈન્ટરલ્યુકીન-6’ પ્રોટીન ધીરે ધીરે કરોડરજજુમાં હાજર તંત્રીકા તંતુ ‘એમેઝોન’માં આવેલા વિકારને દૂર કરવા લાગ્યું હતું, જેનાથી ઉંદરો બે થી ત્રણ સપ્તાહમાં અગાઉ જેવી સ્ફૂર્તિથી દોડવા લાગ્યા હતા.