શેરબજારમાં કડાકાનો દોર: 1000 પોઈન્ટ ગગડયો: નિફટી 14000ની નીચે

27 January 2021 03:50 PM
Business
  • શેરબજારમાં કડાકાનો દોર: 1000 પોઈન્ટ ગગડયો: નિફટી 14000ની નીચે

તમામ શેરોમાં આક્રમણકારી વેચવાલી: બેંક શેરોમાં ભુકકા: બેંક નિફટી પણ 1000 પોઈન્ટ તૂટયો: રોકડાના શેરોમાં ચારેકોર વેચવાલી: બજેટ પુર્વેનું કરેકશન હોવાનો નિર્દેશ

રાજકોટ તા.27
મુંબઈ શેરબજારમાં કડાકાનો દોર હોય તેમ આજે સેન્સેકસમાં વધુ 1000 પોઈન્ટનું ગાબડું પડયું હતું. હેવીવેઈટ સહિતના ક્ષેત્રોના શેરોમાં આક્રમણકારી વેચવાલીથી માર્કેટ સતત મંદીમાં સરકતુ રહ્યું હતું.શેરબજારમાં આજે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારતમાં કિસાન આંદોલન સિક બનતા તેના પડઘા પડવાની આશંકા વ્યક્ત થતી હતી. આ સિય આવતા સપ્તાહે પેશ થનારા સામાન્ય અંદાજપત્રમાં વેરાબોજ ઝીંકાવાની આશંકા વ્યક્ત થતી હતી. વિદેશી નાણાં સંસ્થાઓ, વેચવાલ બની જતા ગભરાટ ઉભો થયો હતો.

કોર્પોરેટ કંપનીઓના પરિણામો ધારણાથી નબળા આવતા ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વની પોલીસી જાહેર થવાની હોવાથી સાવધાની હતી. ભારતીય અર્થતંત્રનો વિકાસદર સૌથી ઉંચો રહેવાની શકયતા દર્શાવતા આંતરરાષ્ટ્રીય નાણાંનિધિનો રિપોર્ટ છતાં કોઈ પોઝીટીવ પડઘો પડયો ન હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમારે સળંગ રેકોર્ડબ્રેક તેજી બાદ કરેકશનની લાંબા વખતથી અટકળો હતો. વર્તમાન ઘટાડો કરેકશનના ભાગરૂપે માનવામાં આવી રહ્યો છે. હવે બજેટ સુધી વોલાટીલીટી તીવ્ર રહેશે અને ત્યારબાદ બજેટ આધારીત એકતરફી ટ્રેન્ડ જોવા મળી શકે છે.


શેરબજારમાં આજે હેવીવેઈટથી માંડીને રોકડા સુધીના શેરોમાં રીતસર વેચવાલીનો મારો રહ્યો હતો. સવારથી માર્કેટ રેડઝોનમાં હતું અને વેચવાલીનું દબાણ સતત વધતુ રહ્યું હતું. એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, ભારતી એરટેલ, ડો. રેડ્ડી, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, રીલાયન્સ, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટીસીએસ, ટાઈટન, ટેલ્કો, ગેઈલ, વોડાફોન, યસબેંક, પીએનબી વગેરે ગગડયા હતા. મંદી માર્કેટમાં પણ બજાજ ઓટો, નેસલે, ટ્રેક મહીન્દ્ર, વીપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઈફ જેવા શેરો મજબૂત હતા.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1000 પોઈન્ટ ગગડયો હતો અને 47303 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 287 પોઈન્ટના કડાકાથી 13951 સાંપડયો હતો. બેંક નિફટીમાં પણ 1000 પોઈન્ટનો કડાકો હતો અને 30212 હતો. મીડકેપ ઈન્ડેકસમાં 375 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું.


Related News

Loading...
Advertisement