નવીદિલ્હી, તા.27
દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનું પ્રદર્શન અને ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી જોરદાર હિંસા પર સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે ભારત સરકાર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન, લોકોના એકઠા થવાની સ્વતંત્રતા અને અહિંસાનું સન્માન કરે. પ્રવક્તાએ આ પહેલાં પણ કહ્યું હતું કે લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને અધિકારીઓએ તેમને આવું કરવા દેવું જોઈએ. જ્યારે મુંબઈના એક વિદ્યાર્થી સંગઠને દેશના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેને પત્ર લખીને કહ્યું કે તેઓ આ મુદ્દે નોંધ લ્યે. પત્રમાં લખ્યું છે કે આ એક શરમજનક ઘટના છે અને તેનાથી આખો દેશ દુ:ખી થયો છે. આ ઘટનાને કારણે દેશના બંધારણની સાથે જ રાષ્ટ્રીય ધ્વજનું પણ અપમાન થયું છે. આ પ્રકારના કૃત્યથી ભારતીય નાગરિકોની બંધારણીય ભાવનાઓ ઘવાઈ છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું કે લાલ કિલ્લા પર બનેલી ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને તે દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહિદોનું અપમાન છે. સંઘના સરકાર્યવાહ સુરેશ ભૈયાજીએ આ મુદ્દે અત્યંત દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.