રાજકોટ તા.27
ગીર જંગલ વિસ્તારની આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં ધારી નજીકની વાડીમાં સાંકળથી બાંધેલા વૃઘ્ધને દિપડાએ ફાડી ખાતા હાહાકાર મચી જવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસ અને વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.આજે સવારે અમરેલી જિલ્લાના ધારી-ગીરની દલખાણીયા રેન્જમાં માનવભક્ષી દિપડાએ એક વૃઘ્ધને ફાડી ખાધા હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે જઇને વન વિભાગ પણ ચોંકી ઉઠયો હતો. કારણ કે દીપડાના હુમલાનો ભોગ બનેલા વૃઘ્ધનો હાથ સાંકળથી બાંધેલો હતો.
આ બનાવની વિગતો એવી છે કે ધારી-ગીરની દલખાણીયા રેન્જમાં આવતા અમૃતપુર ગામની નજીક એક વાડી વિસ્તારમાં દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં એક 75 વર્ષીય વૃઘ્ધનો મૃતદેહ મળ્યો હતો. ગામના જ રહેવાસી એવી મનુભાઇ સાવલીયાનો મૃતદેહ મળતાં ગ્રામજનો વાડી વિસ્તારમાં એકઠા થયા હતા. ગ્રામજનોએ બનાવ અંગે વન વિભાગને જાણ કરી હતી. દીપડા દ્વારા વૃઘ્ધને ફાડી ખાતાં ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો અને વન વિભાગ દ્વારા દીપડાના હુમલાને રોકવાની દિશામાં પગલા લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
આ બનાવ અંગે ધારી ડીસીએફ ડો.અંશુમન શર્માની ટીમ ઘટના સ્થળે પહોંચી જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી વૃઘ્ધને દીપડાએ ફાડી ખાધા હોવાની વન વિભાગના સીસીએફ દુષ્યંત વસાવડાએ પૃષ્ટિ કરી હતી. જો કે સ્થળ પર વૃઘ્ધને સાંકળથી બાંધેલા દ્રશ્યો વિશે વન વિભાગ ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યો છે અને સમગ્ર મામલે પેનલ પીએમ કરવામાં આવશે. આ દરમિયાન આ ઘટનામાં આ મરનાર વૃઘ્ધની મગજની અસ્થિરતાના કારણે તેને વાડીએ સાંકળથી બાંધી રખાયા હોવાનું ખુલ્યું છે.