નવીદિલ્હી, તા.27
તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ થયો છે. ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીના ત્રીજા ટેસ્ટ દરમિયાન ઘણો વિવાદ થઈ ગયો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા આ ડ્રો ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર વંશીય ટીપ્પણી કરવામાં આવી હતી જેના કારણે મેચ થોડો સમય માટે અટકાવવો પડ્યો હતો. આ વિવાદને લઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલને કહ્યું છે કે તે એ દર્શકોની ઓળખ કરવામાં નિષ્ફળ રહ્યું છે જેમણે સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓ પર વંશીય ટીપ્પણી કરી હતી અને જે છ દર્શકોને મેદાન બહાર કરવામાં આવ્યા છે તે અસલ દોષિત નથી.
‘ધ એજ’ના રિપોર્ટ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના છ તપાસકર્તાઓએ સિડની ટેસ્ટ દરમિયાન મોહમ્મદ સિરાજ પર વંશીય ટીપ્પણી કરવાના આરોપમાં મેદાનમાંથી બહાર કઢાયેલા છ દર્શકોને ક્લિનચીટ આપી છે. સીએએ આઈસીસીને તપાસ રિપોર્ટ મોકલી દીધો છે. આઈસીસીએ તેને રિપોર્ટ આપવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો. અળબારે કહ્યું કે સીએને ન્યુ સાઉથવેલ્સ પોલીસના અંતિમ રિપોર્ટનો ઈન્તેજાર છે. તેને પૂરો ભરોસો છે કે સિડની ટેસ્ટના ચોથા દિવસે બહાર કઢાયેલા છ દર્શકોએ ખેલાડીઓ પર ટીપ્પણી કરી નહોતી. રિપોર્ટમાં કહેવાયું છે કે તેમનું માનવું છે કે ખેલાડીઓપર વંશીય ટીપ્પણી કરવામાં આવી છેપરંતુ સીએના તપાસકર્તાઓ દોષિતોને શોધી શક્યા નથી.