દુબઈ, તા.27
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી 2-1થી જીતીને ટીમ ઈન્ડિયા આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ટોચ પર પહોંચી ગઈ છે આમ છતાં ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણી બે મેચના અંતરથી જીતવી પડશે. ઈંગ્લેન્ડે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીત્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ફાઈનલની દાવેદાર ટીમોને લઈને સમીકરણ જારી કર્યા છે તે અત્યંત રોચક છે. પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમ ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે માત્ર પોઈન્ટનું ત્રણ ટકાનું અંતર છે. ભારત 71.7 ટકા સાથે પ્રથમ, ન્યુઝીલેન્ડ 70 ટકા સાથે બીજા, ઓસ્ટ્રેલિયા 69.2 ટકા સાથે ત્રીજા અને ઈંગ્લેન્ડ 68.7 ટકા સાથે ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ ટીમ બાકી રહેલી શ્રેણીઓ જો જીતી પણ લ્યે તો પણ ફાઈનલમાં પહોંચી શકે તેમ નથી.
ફાઈનલની દાવેદાર ચારેય ટીમ માટે અલગ સમીકરણ
ભારત
ભારત એક ટેસ્ટ હારે છે તો તેણે ત્રણ ટેસ્ટ (4-0, 3-0, 3-1 અથવા 2-0) જીતવા પડશે જ્યારે શ્રેણીમાં 0-3 અથવા 0-4થી પરાજય થવાની સ્થિતિમાં ભારતની ફાઈનલમાં પહોંચવાની સંભાવનાઓ સમાપ્ત થઈ જશે.
ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડ ટીમની ટેસ્ટ શ્રેણીઓ સમાપ્ત થઈ ચૂકી છે જેથી તેના પોઈન્ટ યથાવત જ રહેશે. તેણે 600માંથી 420 પોઈન્ટ હાંસલ કરી લીધા છે. હવે તે એક જ આશા રાખશે કે અન્ય ટીમના 70 ટકાથી વધુ પોઈન્ટ ન થાય.
ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ ટીમ પાસે ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ છે. જો તે આ શ્રેણી 3-0 અથવા 4-0ના અંતરથી જીતી લ્યે તો તેની ફાઈનલમાં પહોંચવાની સંભાવના મજબૂત બની જશે.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા પાસે દક્ષિણ આફ્રિકા સાથે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી બાકી છે. ફાઈનલમાં જગ્યા બનાવવા માટે તેણે બે ટેસ્ટ જીતવા પડશે અને એક પણ પરાજયથી બચવું પડશે. જો દક્ષિણ આફ્રિકાએ ઘરેલું શ્રેણી જીતી લીધો તો ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં પહોંચવાની આશા પૂર્ણ થઈ જશે.