મુંબઈ, તા.27
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા આયોજિત ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ મુકાબલાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 10 જૂનથી શરૂ થનારા આ મેચને સ્થગિત કરીને આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. આઈસીસીએ જાહેર કર્યું છે કે ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો હવે ઈંગ્લેન્ડના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર નિર્ધારિત તારીખના એક સપ્તાહ બાદ એટલે કે 18 જૂનથી શરૂ થશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ટી-20 ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)નું આયોજન આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે થવાનું છે. અત્યાર સુધી તેના આયોજનની તારીખોની જાહેરાત કરાઈ નથી પરંતુ આઈસીસીને એ વાતનું અનુમાન છે કે કદાચ ટૂર્નામેન્ટના ફાઈનલની તારીખ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ સાથે ટકરાઈ શકે છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલનો હિસ્સો બની શકે છે અને ક્વોરેન્ટાઈન થવાની સમયમર્યાદાને લઈને કોઈ પરેશાની ન થાય તે માટે ફાઈનલના આયોજનની તારીખને આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. પહેલાં આ ફાઈનલ મુકાબલો 10થી 14 જૂન વચ્ચે રમાવાનો હતો જે હવે 18થી 22 જૂન વચ્ચે રમાશે. ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ મુકાબલા માટે ઈંગ્લેન્ડના લોર્ડસ ગ્રાઉન્ડની પસંદગી કરાઈ છે. અત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ભારત અને ન્યુઝીલેન્ડ પ્રથમ અને બીજા સ્થાને છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ પાંચ શ્રેણી રમ્યા બાદ 430 પોઈન્ટ મેળવી ચૂકી છે જ્યારે ન્યુઝીલેન્ડે આટલી જ શ્રેણી રમીને 420 પોઈન્ટ મેળવ્યા છે. ભારતે ઈંગ્લેન્ડ સાથે ઘરઆંગણે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જ્યારે ત્રીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે રમવાનું છે.