એક જ સમયેે બબ્બે દેશનો પ્રવાસ કરશે ટીમ ઓસ્ટ્રેલિયા

27 January 2021 11:52 AM
Sports
  • એક જ સમયેે બબ્બે દેશનો પ્રવાસ કરશે ટીમ ઓસ્ટ્રેલિયા

એક ટીમ ટેસ્ટ શ્રેણી રમવા આફ્રિકા અને એક ટીમ ટી-20 શ્રેણી રમવા ન્યુઝીલેન્ડ જશે

નવીદિલ્હી, તા.27
કોરોના વાયરસને કારણે ઘણા લાંબા સમય સુધી રમત-ગમત ઉપર બ્રેક લાગી જતાં તેનાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે હવે ક્રિકેટ ટીમો વધુમાં વધુ શ્રેણી રમવાની કોશિશ કરી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ એક જ સમયે બે દેશ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે એટલા માટે બોર્ડે બે અલગ-અલગ ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમ પસંદ કરવામાં આવી છે.ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં મોટો ફેરફાર મેથ્યુ વેડના રૂપમાં જોવા મળ્યો છે. ભારત વિરુદ્ધ 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્ત્વનો હિસ્સો રહેલા વેડને સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર કરી દેવાયો છે. જો કે તેને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયો છે. જ્યારે ટી-20 ટીમમાંથી એલેક્સ કેરીને બહાર કરી દેવાયો છે અને તેને ટેસ્ટ ટીમમાં જગ્યા અપાઈ છે.


ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાએ 19 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. ટેસ્ટ ટીમની કમાન ટીમ પેનને અપાઈ છે. 22 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પાંચ ટી-20 મેચની શ્રેણી રમશે. મુખ્ય કોચ તરીકે જસ્ટિન લેંગર સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ સાથે જશે જ્યારે બેટિંગ કોચ એન્ડ્રયુ મેક્ડોનાલ્ડ ન્યુઝીલેન્ડ પ્રવાસે જશે.બિગબેશ લીગમાં 14 મેચમાં 21 વિકેટ લેનારા તનવીર સંગાને ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમમાં પહેલી વખત તક અપાઈ છે. જ્યારે બે વર્ષ બાદ જાય રિચર્ડસનની ટી-20 ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ટેસ્ટ ટીમમાં કેરી ઉપરાંત સીન અબોટ, માઈકલ નેસર, મીચેલ સ્વેપ્સન અને માર્ક સ્ટેક્ટીને પહેલી વખત પસંદ કરાયા છે.


Related News

Loading...
Advertisement