‘કોલ્ડવેવ’ની અસર યથાવત : નલીયા 3.4, કેશોદ 8.2 ડિગ્રી

27 January 2021 11:37 AM
Gujarat Saurashtra
  • ‘કોલ્ડવેવ’ની અસર યથાવત : નલીયા 3.4, કેશોદ 8.2 ડિગ્રી

ડીસામાં 8.5, રાજકોટમાં 9.8, ગાંધીનગરમાં પણ 9 ડિગ્રી સાથે ટાઢોડુ : દિવ-ભૂજ-મહુવામાં 10 અને અમદાવાદ-વડોદરા-ભાવનગર-પોરબંદર-કંડલા-અમરેલીમાં 11 ડિગ્રી ન્યુનતમ તાપમાનથી તીવ્ર ઠંડીનો અહેસાસ

રાજકોટ તા.27
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને સમગ્ર રાજયમાં આજે સતત બીજા દિવસે કોલ્ડવેવની અસર હેઠળ કડકડતી ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું.ગઇકાલે નલીયામાં 2.8 ડિગ્રી સાથે રેકોર્ડ બે્રક ઠંડી પડયા બાદ આજે પણ નલીયા ટાઢુ બોળ રહ્યુ હતું અને આજે પણ સવારે 3.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બની શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં આકરી ઠંડીની આગાહી કરવામાં આવી છે.


રાજયમાં આગામી બે દિવસ ઠંડા પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ દિવસની કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજયમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. નલીયામાં આજે સૌથી ઓછુ 3.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજયમાં ભારે કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેશે. તેમાં પણ કચ્છ-સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં ઠંડા પવનો ફૂંકાશે. જેથી આગામી પ દિવસ હજુ ઠંડા પવનો ફૂંકાવાની શકયતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે.


આજે રાજયના પાંચ શહેરોમાં બે આંકડાથી નીચે તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં નલીયા અને પોરબંદરમાં સામાન્ય કરતા 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડયું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં 9 થી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શકયતા છે. દરમ્યાન આજે નલીયા ઉપરાંત ભૂજમાં 10.4 ડિગ્રી, કંડલામાં 11 ડિગ્રી ડીસામાં 8.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જે પાંચ શહેરોમાં આજે સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયુ છે. તેમાં નલીયા 3.4 ડિસા 8.પ, રાજકોટ 9.8, કેશોદ 8.2, ગાંધીનગર 9 ડિગ્રીનો સમાવેશ થાય છે.


કચ્છ ઉપરાંત આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને કેશોદવાસીઓ પણ તિવ્ર ઠંડીથી ધ્રુજયા હતા. રાજકોટમાં આજે સવારે 9.8 ડિગ્રી ઉપરાંત કેશોદમાં 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત આજે અમદાવાદમાં 11, વડોદરામાં 11.6, સુરતમાં 13.8, ભાવનગરમાં 1્ર, પોરબંદરમાં 11.6, વેરાવળમાં 13.3, દ્વારકામાં 13.4, ઓખામાં 16.2, સુરેન્દ્રનગરમાં 12.4, અમરેલીમાં 11.2, મહુવામાં 10.3, દિવમાં 10.5, વલસાડમાં 10 અને વલ્લભ વિદ્યાનગરમાં 10.1, ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આમ આજે પણ કોલ્ડવેવની અસર સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં વર્તાવા પામી હતી અને સર્વત્ર તિવ્ર ઠંડીનું મોજુ ફેલાયેલુ રહ્યુ હતું.ખાસ કરીને આજે સતત બીજા દિવસે પણ નલીયા બર્ફાગાર જેવી હાલતમાં રહ્યુ હતું.


Related News

Loading...
Advertisement