નવી દિલ્હીઃ
72 મો ગણતંત્ર દિવસ આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. તે જ સમયે, છેલ્લા બે મહિનાથી કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે. સિંઘુ, ટિકરી અને ગાઝીપુરની સરહદો પર પોલીસના બેરિકેડ્સ તોડી ખેડુતોએ દિલ્હીની સીમમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે, આઇટીઓ પર ઘણો હંગામો થયો છે. પથ્થરમારો થતાં અનેક પોલીસ જવાન ઘાયલ થયા છે. તે જ સમયે, ટ્રેક્ટર પલટી જવાને કારણે ટ્રેક્ટર ચાલક ખેડૂતનું મોત નીપજ્યું છે. જ્યારે કેટલાંક ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. લાલ કિલ્લા પર ખેડૂતોએ તેમના ધ્વજ લહેરાવ્યા છે.
◆ ટ્રેક્ટર ડ્રાઇવર ખેડૂતનું મોત
આઇટીઓથી બહાદુર શાહ ઝફર રોડ પર એક ટ્રેક્ટર પુરપાટ ઝડપે મિન્ટો રોડ તરફ આગળ વધ્યું હતું. ટ્રેક્ટર વધુ સ્પીડને કારણે પલ્ટી ખાય ગયું હતું. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. જ્યારે ટ્રેક્ટર ચાલક ખેડૂતનું મોત નીપજ્યું હતું. આ ઘટના ડીડીયુ રૂટ પર આંધ્ર એજ્યુકેશન સોસાયટીની છે. ખેડુતોએ મૃતદેહને રસ્તા પર રાખીને ભાજપ કાર્યાલય ખાતે દેખાવો કર્યા હતા.
◆ સમય પહેલા જ ટ્રેકટર રેલી શરૂ થઈ ગઈ હતી
કેન્દ્રના કૃષિ કાનુનના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા આજે દિલ્હીમાં યોજાઇ રહેલી ટ્રેકટર રેલીના પ્રારંભે જ જબરો તનાવ શરૂ થઇ ગયો છે. ઓછામાં ઓછા 70 થી 80 હજાર ટ્રેક્ટરો ગઇકાલ સુધીમાં દિલ્હીની ત્રણ સરહદો પાસે પહોંચી ગયા હતા. એક તરફ પોલીસે પ્રજાસતાક દિનની પરેડ પુરી થઇ ગયા બાદ પાટનગરમાં નિશ્ર્ચિત માર્ગો પર ખેડુતોની ટ્રેકટર રેલી યોજવાની મંજૂરી આપી છે. સમય પહેલા જ સવારથી દિલ્હી-હરિયાણાની સિંધુ બોર્ડર પર જયાં 62 દિવસથી ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે ત્યાંથી સવારથી રેલી શરૂ કરી દેવામાં આવી હતી.
◆ પોલીસે રેલીને રોકવા માટે બેરીકેડ ઉભા કર્યા, ખેડુતોએ તોડી નાખ્યા
પોલીસે અહીં રેલીને રોકવા માટે બેરીકેડ ઉભા કર્યા હતા પરંતુ ખેડુતો તે તોડીને આગળ નીકળી ગયા છે અને માર્ગો ઉપર હજારો ટ્રેકટરો બીન્દાસ રીતે આગળ વધી રહ્યા છે. બીજી તરફ સિંધુ બોર્ડરથી આગળ મુકરબા ચોક પાસે પોલીસે વહેલી શરૂ થઇ હોવાથી તેને અટકાવતા ખેડુતો બેકાબુ થઇ ગયા છે અને તેને રોકવા માટે અશ્રુવાયુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજારો ટ્રેકટરો માર્ગ છોડીને દિલ્હીમાં ઘુસવા લાગ્યા હતા દિલ્હી પોલીસ દ્વારા વધારાના અર્ધ લશ્કરી દળોને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે. યુપી ગેઇટ અને ટીકરી ગેઇટ પર પણ ખેડુતોની ટ્રેકટર રેલી તેની મંજૂરીના સમય કરતા વહેલી શરૂ થઇ ગઇ હતી અને નેશનલ હાઇવે-9 તથા એકસપ્રેસ-વે પર કબ્જો કરી લીધો અને કેટલાક સ્થળોએ ડીટીસીની બસોને પણ રોકવામાં આવી. ખેડુતોએ બેરીકેડ તોડવા કે માર્ગ પર વિધ્ન ઉભુ કરાય તો તે તોડવા માટે રેલીના પ્રારંભમાં જેસીબી પણ સામેલ કરી લીધા અને અહીં અત્યંત આધુનિક રૂા. 35 લાખની કિંમત ધરાવતા હજારો મીની ટ્રેકટરો પણ સામેલ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે 37 પોઇન્ટ પર ટ્રેકટર રેલી પ્રવેશે નહીં તેવી ખાતરી માંગી હતી પરંતુ ખેડુતો સંગઠનો પણ તેની પણ ચિંતા કરી નથી અને આગળ વધી રહ્યા છે. જોકે ખેડુત સંગઠનોએ ઠેર ઠેર વોલીયન્ટર્સ ઉભા રાખ્યા છે. અને શકય ત્યાં સુધી રેલી તોફાની ન બને તેની ચિંતા કરી રહી છે.
પોલીસે પાંચ હજાર ટ્રેકટરને જ મંજુરી આપી હતી
ટ્રેકટર પરેડ માટે પોલીસે પાંચ હજાર ટ્રેકટરને મંજુરી આપી હતી. પરંતુ દરેક રેલીમાં 15 હજારથી વધુ ટ્રેકટર સામેલ થઇ ગયા છે. રેલીમાં મોટાભાગના રૂટ પર એક લેન ખુલ્લી રાખવામાં આવી છે ઇમરજન્સીના વાહનો નીકળી શકે. ટ્રેકટરમાં ભારતના રાષ્ટ્રધ્વજ સિવાય અને કોઇપણ બેનર ફરકાવવાની મનાઇ કરવામાં આવી છે. આજની ટ્રેકટર રેલી પુરી થયા બાદ તા.1ના રોજ સંસદ ભવનને ઘેરાવ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
◆ દેશના અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોની રેલી
ઉતરપ્રદેશમાં પણ અનેક સ્થળોએ રાજકીય પક્ષો દ્વારા ટ્રેકટર રેલી યોજવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે આજે અનેક મહત્વના રૂટો પર જાહેર ટ્રાન્સપોર્ટ તથા મેટ્રો સેવાને બંધ રાખવા આદેશ અપાયો છે. યુપી ગેઇટથી આગળ વધી રહેલી દિલ્હી પોલીસે ગાજીપુર અન્ડરપાસ પાસે રોકી દીધી હતી ત્યાં જબરી ભીડ થવા લાગી છે અને તનાવપૂર્ણ માહોલ થઇ ગયો છે. પોલીસ શકય તેટલા સંયમથી આગળ વધી રહી છે. બીજી તરફ રાજપથમાં આજે ગણતંત્ર દિનની ઉજવણી ચાલુ હોવાથી અહીં ઠેર ઠેર માર્ગો પર રેલી ન પહોંચે તે માટે પોલીસે ટ્રક અને ભારે વાહનોથી માર્ગ બંધ કરી દીધા છે. ટ્રેકટર રેલી વહેલી શરૂ થતા દિલ્હી પોલીસની ચિંતા વધી ગઇ છે.
લખીમપુરખીરીના મીતોલી વિસ્તારમાં સમાજવાદી પાર્ટીના નેતૃત્વમાં ખેડુતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. પોલીસે અનેક જગ્યાએ વિરોધીઓને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ રેલી અટકી ન હતી. પોલીસે સપાના પૂર્વ ધારાસભ્ય સુનિલ લાલાની કૂચ અટકાવી હતી ત્યારે સપાના કાર્યકરો પગપાળા કૂચ કરી ગયા હતા. પોલીસે શાંતિભંગના આરોપમાં 21 લોકોને અટકાયત કરી હતી. બાદમાં તમામને એસડીએમ કોર્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.