દરેડના લેન્ડગ્રેબીંગ કેસમાં બે મહિલા સહિત વધુ ત્રણની ધરપકડ

26 January 2021 01:22 PM
Jamnagar Crime
  • દરેડના લેન્ડગ્રેબીંગ કેસમાં બે મહિલા સહિત વધુ ત્રણની ધરપકડ

અત્યાર સુધી 24 શખ્સોની કરાઇ છે ધરપકડ હજુ 40 શખ્સો છે ફરાર: 19 વિઘા જમીન પર દબાણો કરવામાં આવતા સરકારનું કડક વલણ

જામનગર તા.26:
જામનગરમાં દરેડ ગામની સરકારી જમીન પર થયેલ બાંધકામો બાદ નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના ગુન્હાને લઇને પોલીસ દ્વારા ધરપકડનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે. ગઇકાલે 64 પૈકીના બે મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી તરફ ધરપકડ કરાયેલ અને જેલ હવાલે કરાયેલ શખ્સોએ જામીન અરજી મુકી છે તો અન્ય ફરાર શખ્સો સુધી પહોંચવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


જામનગર નજીક દરેડ પંથકમાં સર્વે નં.131 અને 132 વાળી જગ્યામાં ગેરકાયદેસર પેશકદમી કરી દબાણ મામલે પંચ બી પોલીસ મથકમાં 64 લોકો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો જે પૈકી પોલીસે અત્યાર સુધીમાં 24 આરોપીને પકડી પાડયા હતા જે પૈકી સુત્રધાર મનાતા વિજય જયંતીભાઇ માલાણી નામના શખ્સના પોલીસે બુધવાર સુધીના પાંચ દિવસના રીમાન્ડ મેળવીને સધન પુછપરછ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીના શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનની પણ તલાશી લીઘી હતી. જોકે, ઝડતી વેળાએ પોલીસને ખાસ કશું હાથ લાગ્યું ન હોવાનું બહાર આવ્યું છે.


આ પ્રકરણમાં પોલીસે રીમાન્ડ પર રહેલા સુત્રધાર વિજય માલાણી સિવાયના વીશ આરોપીને અગાઉ કોર્ટમાં રજુ કરી જેલમાં ઘકેલી દિધા હતા.જયારે સોમવાર મોડીસાંજ સુધીમાં વધુ ત્રણ આરોપીઓ ભોપા કમાભાઇ ચારણ અને વેરૂનિકા ફ્રેંકલીન ફિલીપ્સ તેમજ જાનાબેન ઉર્ફે રામીબેન ધાનાભાઇને પકડી પાડયા હતા જેની ધરપકડ બાદ ત્રણેયને જેલહવાલે કરાયા છે. આ ચકચારી પ્રકરણમાં હજુ જામનગર અને દરેડ સહિતના પંથકના કેટલાક નામો ખુલતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.


દરેડના ચકચારી લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં ભૂમાફિયા જયેશ પટેલની કથિત સંડોવણી સામે આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, જોકે પોલીસે હાલના તબકકે સૂત્રધાર મનાતા આરોપી વિજય માલાણીની સઘન પૂછપરછ સાથે ઉપરોકત તમામ દિશામાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરીને જુદી-જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.


Related News

Loading...
Advertisement