નવી દિલ્હી, તા. 26
કેન્દ્રના કૃષિ કાનુનના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા આજે દિલ્હીમાં યોજાઇ રહેલી ટ્રેકટર રેલીના પ્રારંભે જ જબરો તનાવ શરૂ થઇ ગયો છે. ઓછામાં ઓછા 70 થી 80 હજાર ટે્ર્રકટરો ગઇકાલ સુધીમાં દિલ્હીની ત્રણ સરહદો પાસે પહોંચી ગયા હતા. એક તરફ પોલીસે પ્રજાસતાક દિનની પરેડ પુરી થઇ ગયા બાદ પાટનગરમાં નિશ્ર્ચિત માર્ગો પર ખેડુતોની ટ્રેકટર રેલી યોજવાની મંજૂરી આપી છે. સવારથી દિલ્હી-હરિયાણાની સિંધુ બોર્ડર પર જયાં 6ર દિવસથી ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે ત્યાંથી સવારથી રેલી શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસે અહીં રેલીને રોકવા માટે બેરીકેડ ઉભા કર્યા હતા પરંતુ ખેડુતો તે તોડીને આગળ નીકળી ગયા છે અને માર્ગો ઉપર હજારો ટ્રેકટરો બીન્દાસ રીતે આગળ વધી રહ્યા છે. બીજી તરફ સિંધુ બોર્ડરથી આગળ મુકરબા ચોક પાસે પોલીસે વહેલી શરૂ થઇ હોવાથી તેને અટકાવતા ખેડુતો બેકાબુ થઇ ગયા છે અને તેને રોકવા માટે અશ્રુવાયુનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. હજારો ટ્રેકટરો માર્ગ છોડીને દિલ્હીમાં ઘુસવા લાગ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા વધારાના અર્ધ લશ્કરી દળોને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે. યુપી ગેઇટ અને ટીકરી ગેઇટ પર પણ ખેડુતોની ટ્રેકટર રેલી તેની મંજૂરીના સમય કરતા વહેલી શરૂ થઇ ગઇ હતી અને નેશનલ હાઇવે-9 તથા એકસપ્રેસ-વે પર કબ્જો કરી લીધો છે અને કેટલાક સ્થળોએ ડીટીસીની બસોને પણ રોકવામાં આવી રહી છે. ખેડુતોએ બેરીકેડ તોડવા કે માર્ગ પર વિધ્ન ઉભુ કરાય તો તે તોડવા માટે રેલીના પ્રારંભમાં જેસીબી પણ સામેલ કરી લીધા છે અને અહીં અત્યંત આધુનિક રૂા. 3પ લાખની કિંમત ધરાવતા હજારો મીની ટ્રેકટરો પણ સામેલ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે 37 પોઇન્ટ પર ટ્રેકટર રેલી પ્રવેશે નહીં તેવી ખાતરી માંગી હતી પરંતુ ખેડુતો સંગઠનો પણ તેની પણ ચિંતા કરી નથી અને આગળ વધી રહ્યા છે. જોકે ખેડુત સંગઠનોએ ઠેર ઠેર વોલીયન્ટર્સ ઉભા રાખ્યા છે. અને શકય ત્યાં સુધી રેલી તોફાની ન બને તેની ચિંતા કરી રહી છે. પોલીસે પાંચ હજાર ટ્રેકટરને મંજુરી આપી છે. પરંતુ દરેક રેલીમાં 1પ હજારથી વધુ ટ્રેકટર સામેલ થઇ ગયા છે. રેલીમાં મોટાભાગના રૂટ પર એક લેન ખુલ્લી રાખવામાં આવી છે ઇમરજન્સીના વાહનો નીકળી શકે. ટ્રેકટરમાં ભારતના રાષ્ટ્રધ્વજ સિવાય અને કોઇપણ બેનર ફરકાવવાની મનાઇ કરવામાં આવી છે. આજની ટ્રેકટર રેલી પુરી થયા બાદ તા.1ના રોજ સંસદ ભવનને ઘેરાવ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉતરપ્રદેશમાં પણ અનેક સ્થળોએ રાજકીય પક્ષો દ્વારા ટ્રેકટર રેલી યોજવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે આજે અનેક મહત્વના રૂટો પર જાહેર ટ્રાન્સપોર્ટ તથા મેટ્રો સેવાને બંધ રાખવા આદેશ અપાયો છે. યુપી ગેઇટથી આગળ વધી રહેલી દિલ્હી પોલીસે ગાજીપુર અન્ડરપાસ પાસે રોકી દીધી હતી ત્યાં જબરી ભીડ થવા લાગી છે અને તનાવપૂર્ણ માહોલ થઇ ગયો છે. પોલીસ શકય તેટલા સંયમથી આગળ વધી રહી છે. બીજી તરફ રાજપથમાં આજે ગણતંત્ર દિનની ઉજવણી ચાલુ હોવાથી અહીં ઠેર ઠેર માર્ગો પર રેલી ન પહોંચે તે માટે પોલીસે ટ્રક અને ભારે વાહનોથી માર્ગ બંધ કરી દીધા છે. ટ્રેકટર રેલી વહેલી શરૂ થતા દિલ્હી પોલીસની ચિંતા વધી ગઇ છે.